ફિલ્મ-નાટ્ય કલાકાર ભૂપેશ પંડ્યાનું કેન્સરથી અવસાન

Wednesday 30th September 2020 08:02 EDT
 
 

ગુજરાતી અને રાજસ્થાનના વતની એવા ભૂપેશ પંડ્યાનું ૪૫ વર્ષની વયે ૨૩મી સપ્ટેમ્બરે નિધન થયું હતું. ભૂપેશ લોકડાઉન દરમિયાન પોતાના વતન રાજસ્થાન ગયા હતાં જ્યાં એક મહિના પહેલા જ તેમને ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. ત્યાર બાદ તેઓ અમદાવાદમાં એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
ભૂપેશ પંડ્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા હતા અને દિલ્હીમાં સ્થાયી થયા હતાં. જ્યાં તેમના પત્ની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેમના બે પુત્રો છે. ભૂપેશે ૧૫૦થી વધુ નાટકોમાં કામ કર્યું હતું. તેમણે ૧૬૦૦ જેટલા શેરી નાટકો કર્યાં હતાં. તેઓ નાટ્ય ક્ષેત્રે ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા હતા. એ ઉપરાંત તેમને ફિલ્મ, ટીવી અને રેડિયો તેમજ જાહેરાતનો પણ લગભગ ૧૮ વર્ષનો અનુભવ હતો.
તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભારત રંગ મહોત્સવ અને પૃથ્વી ફેસ્ટિવલ જેવા નાટ્યોત્સવમાં રજૂઆત કરી ચૂક્યા હતા. તેઓ એનએસડી ઉપરાંત ઘણી મીડિયા સ્કૂલમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપતા હતા. તેઓ ફિલ્મ અને ટીવીમાં કાસ્ટિંગ ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર તેમજ વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓએ ૧૭ જેટલી ટીવી સિરિયલમાં અને વિકી ડોનર, હઝારો ખ્વાહિશેં એસી તથા પરમાણુ જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.
લોકડાઉનમાં તેમના પત્નીએ નોકરી ગુમાવી અને તેમનું પણ કામ બંધ થયું. ઉપરથી કેન્સરની સારવાર. તેથી તેમને મદદ કરવા માટે તેમના મિત્રો દ્વારા કેટ્ટો ક્રાઉડ ફંડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેનું લક્ષ્ય રૂ. ૨૫ લાખ જેટલી રકમ એકઠી કરવાનું હતું. તેમાં રૂ. ૨૧ લાખ જેટલી રકમ એકઠી થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter