અમદાવાદ: સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ નામ સાથે દેશમાં ફિલ્મ રિલીઝ કરવાની સુપ્રીમ કોર્ટે પરવાનગી છે તો બીજી તરફ આ ચુકાદા પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીધેલો રાજ્યમાં ફિલ્મ નહીં રિલીઝ કરવાનો નિર્ણય સુપ્રીમના ચુકાદા પછી પણ બરકરાર રાખ્યો છે કે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે વીસમી જાન્યુઆરીથી બે દિવસમાં ક્ષત્રિય સમાજ દ્વારા આ ફિલ્મ રિલીઝ નહીં કરવા બાબતે ગુજરાતમાં ચક્કાજામ, આંગચંપી અને તોડફોડની અતિ ઉગ્ર ઘટનાઓ બની હતી. જે રોકવા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે રોષે ભરાયેલા તમામ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘પદ્માવત’ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે જે આ દેશ ક્યારે સહન નહીં કરે. પરંતુ દોઢ વર્ષથી ચાલી રહેલા વિરોધ આંદોલન યોગ્ય અને શિસ્તપદ્ધ થવું જોઈએ. ચક્કાજામ અને આગચંપીની ઘટનાઓથી મુસાફરો અને નાગરિકોને પડતી હાલાકીથી કરણી સેના દિલગીર છે અને આ પ્રકારનો વિરોધ કરતા લોકોને અટકાવવા માટે અપીલ કરી હતી.
૨૨મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાજના વર્ગોમાંથી તેઓને રજૂઆતો આવે છે એટલે આ સમાજોની નારાજગી અને તેમની લાગણીને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી આ ફિલ્મના વિવાદાસ્પદ વિષયનો અંત નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં રજૂ નહીં થાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મને સેન્સર બોર્ડ મંજૂરી આપતી હોય છે, પરંતુ ગુજરાતમાં માહોલ ન બગડે તેની સાવચેતી માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં મલ્ટીપ્લેક્ષ સંચાલકોએ સ્વૈચ્છિક નિર્ણય સાથે જાહેર કર્યું હતું કે ફિલ્મ રિલીઝ નહીં કરીએ જેને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ આવકાર્યો હતો.
અનિલ કપૂરના નિવેદનથી હોબાળો
૬૧ વર્ષીય બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂરે વીસમીએ રાજકોટમાં કહ્યું હતું, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે વિવાદ પૂરો થયો છે અને ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના છે. એ પછી રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં રોષ દેખાયો હતો.