અમદાવાદઃ જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર – અભિનેતા - વોઈસ ઓવર આર્ટિસ્ટ આશિષ કક્કડનું સોમવારે કોલકત્તામાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ ૪૯ વર્ષના હતા. આશિષ કક્કડ તેના પુત્રના જન્મદિવસની ઉજવણી માટે અમદાવાદથી કોલકત્તા ગયા હતા અને તેઓ ૬ નવેમ્બરે પરત ફરવાના હતા. સોમવારે બપોરે ૪ કલાકે ઊંઘમાં જ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. તેમણે વર્ષ ૨૦૧૦માં ગુજરાતી ફિલ્મ ‘બેટર હાફ’ ડિરેક્ટ કરી હતી. ‘બેટર હાફ’ ફિલ્મ ગુજરાતી અર્બન ફિલ્મ માટે નવી દિશા ચિંધનારી પુરવાર થઈ હતી. આ ઉપરાંત ‘બે યાર’, ‘વિટામીન શી’, ‘તમે કેવા’ જેવી ગુજરાતી ફિલ્મો તેમજ બોલવૂડની લોકપ્રિય ફિલ્મ ‘કાઈપો છે’માં પણ તેઓએ અભિનય આપ્યો હતો.
૨૧મી સપ્ટેમ્બર ૧૯૭૧ના રોજ જન્મેલા આશિષ કક્કડ રંગભૂમિના પણ ઉમદા કલાકાર હતા. આ ઉપરાંત ઘેઘુર અવાજના માલિક અને ઉત્તમ વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ હતા. આશિષ કક્કડના નશ્વર દેહ બુધવારે અમદાવાદ લાવીને અને અમદાવાદમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા છે.


