ગાંધીનગરઃ સ્વનિર્ભર સ્કૂલોમાં ફી નક્કી કરવાના વિવાદનો અંત લાવતા સરકારે ૨૬ એપ્રિલથી ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ફી નિર્ધારણ કમિટી કાર્યરત કરી છે. ફી વધારવા માગતી સ્કૂલોએ ૩૦ દિવસમાં અરજી કરવાની રહેશે. તેના ૯૦ દિવસમાં ફી નક્કી કરાશે. સ્કૂલો અપાયેલી ત્રણ તકમાં હાજર નહીં રહે તો કમિટી જાતે ફી નક્કી કરી લેશે. નિયત ફી કરતા વધારે ફી વસૂલવા માગતી સ્કૂલોએ ફરજિયાત મંજૂરી માટે ફી નિર્ધારણ કમિટી સમક્ષ ૩૦ દિવસમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે.. ફી કમિટીના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત એમ ચાર ઝોનમાં હેડકવાર્ટર રહેશે.
પ્રાથમિક સ્કૂલ સંલગ્ન મંજૂરી
પૂર્વ પ્રાથમિક સ્કૂલ પ્રાથમિક સ્કૂલ સંલગ્ન, એક કેમ્પસમાં ચાલતી હશે તો તેવી સિનિયર-જુનિયર કે. જી. સ્કૂલો રૂ. ૧૫ હજાર કરતાં વધુ ફી વસૂલતી હશે તો તેણે ફીની મંજૂરી લેવાની રહેશે. પ્લેગૃપ, ઘોડિયાઘરને ફી કમિટીમાંથી બાકાત રખાયા છે.
વધુ ફી લેનાર શાળાઓ સામે વાલીઓએ ડીઇઓને રજૂઆત કરવાની રહેશે વધુ ફી લેનાર સ્કૂલો સામે વાલીઓએ ફી કમિટીને સંબોધીને અરજી કરવાની રહેશે. અરજી ડીઇઓ કે ડીપીઓને સમક્ષ કરવાની રહેશે.
• સિનિયર-જુનિ. કે.જી., પૂર્વ પ્રાથમિક, પ્રાઈમરી સ્કૂલોની નિયત ફી ૧૫ હજાર, માધ્યમિક સ્કૂલ ૨૫ હજાર, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ૨૭ હજાર.
• નિયત ફી સિવાયની કોઇ વધારાની ફી એકપણ ફી સ્કૂલો લઇ શકશે નહીં.
• વધુ ફી લેવા માગતી સ્કૂલોએ કમિટી સમક્ષ ફોર્મ-૨માં દરખાસ્ત કરી ફરજિયાત મંજૂરી લેવી પડશે. ૯૦ દિવસમાં ફી નક્કી થઇ જશે.
• વિદ્યાર્થીઓની ફી એક બેંક એકાઉન્ટમાં જમા લેવાની રહેશે, વધુ એકાઉન્ટ માન્ય રહેશે નહીં.
• ફીની મંજૂરી માટે સંચાલક અને આચાર્યની જવાબદારી રહેશે.
• સ્કૂલોએ ફીની રકમ નોટિસ બોર્ડ, વેબસાઇટ પર મૂકવાની રહેશે.
• મંજૂરી વગર વધુ ફી લેનાર કે નિયમોનો ભંગ કરનાર સ્કૂલોને પ્રથમ વખત રૂ. ૫ લાખ, બીજી વખત રૂ. ૧૦ લાખનો દંડ, પછી માન્યતા રદ કે NOC પરત ખેંચાશે.
• છેલ્લા બેવર્ષના ઓડિટ એકાઉન્ટસ, ચાલુ વર્ષ એકાઉન્ટસ માટે સીએનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
• અધૂરી દરખાસ્ત કે હિસાબો કે અપૂરતા હિસાબો રજૂ કરનાર સ્કૂલો સામે કમિટી સુઓમોટો કરશે.


