ફૂટબોલ ટીમ સાથે 2.2 કરોડ ડોલરની છેતરપિંડીઃ અમિત પટેલને 78 માસની કેદ

Saturday 23rd March 2024 03:51 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાની એક ફૂટબોલ ટીમના ગુજરાતી મૂળના પૂર્વ ફાઇનાન્સિયલ મેનેજર પર પોતાની ખર્ચાળ જીવનશૈલી માટે ફ્રેન્ચાઇઝી સાથે 22 મિલિયન ડોલરથી વધુ રકમની છેતરપિંડીના કેસમાં કોર્ટે તેને 78 માસ કેદની સજા ફરમાવી છે. અમિત પટેલે 2018થી પાંચ વર્ષ સુધી જેકસનવિલે જગુઆર માટે ફાઇનાન્સિયલ મેનેજર તરીકે કામ કર્યું હતું. જેકસનવિલેના અમેરિકા જિલ્લા કોર્ટમાં દાખલ દસ્તાવેજ અનુસાર અમિત પટેલ પર ઓનલાઇન છેતરપિંડી અને ગેરકાયદે મોનેટરી ટ્રાન્ઝેકશનના એક કેસના સંદર્ભમાં આરોપ હતા.
ફેડરલ પ્રોસિક્યુટર દ્વારા દાખલ કરાયેલા આરોપપત્ર અનુસાર અમિત પટેલ જ ટીમના વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ (વીસીસી) પ્રોગ્રામની દેખરેખ રાખતો હતો અને તેણે આ પદનો દુરુપયોગ કરી પોતાની અંગત ખરીદીને વ્યવસાયિક ખર્ચ તરીકે દર્શાવી હતી.
મીડિયાના અહેવાલ અનુસાર પટેલ પર આ નાણાનો ઉપયોગ ટેસ્લા જેવી મોંઘી કાર, પોર્ટે વેડ્રા બીચમાં એક એપાર્ટમેન્ટ, ક્રીપ્ટો કરન્સી અને 95 હજાર ડોલરની ઘડિયાળ ખરીદવાનો આરોપ મૂકાયો હતો. આરોપીના વકીલ એલેક્સ કિંગે જણાવ્યું હતું કે તેમનો અસીલ પોતાના કૃત્યો માટે શરમ અનુભવે છે અને માફી માગે છે. વકીલે વધુમાં જણાવ્યું હતુ કે અમિત પટેલને જુગારની લત છે અને આ લતને પગલે જ કલબમાં નાણાની છેતરપિંડી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter