ફૂટબોલ ટીમ સાથે 2.20 કરોડ ડોલરની છેતરપિંડીઃ અમિત પટેલ સામે આરોપ

Sunday 17th December 2023 11:31 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકાની એક ફૂટબોલ ટીમના ગુજરાતી-અમેરિકન પૂર્વ ફાઇનાન્સિયલ મેનેજર પર પોતાની ખર્ચાળ જીવનશૈલી દ્વારા ફ્રેન્ચાઇઝી સાથે 2.20 કરોડ ડોલરથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ મૂકાયો છે. અમિત પટેલે 2018થી પાંચ વર્ષ સુધી જેકસનવિલે જગુઆર માટે કાર્ય કર્યુ હતું. જેકસનવિલેએ યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજ અનુસાર અમિત પટેલ સામે ઓનલાઇન છેતરપિંડી અને ગેરકાયદે મોનેટરી ટ્રાન્ઝેકશનના એક કેસના સંદર્ભમાં આરોપ મૂકાયા છે.
ફેડરલ પ્રોસિક્યુટર દ્વારા દાખલ કરાયેલા આરોપપત્ર અનુસાર ફક્ત પટેલ જ ટીમના વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ (વીસીસી) પ્રોગ્રામની દેખરેખ રાખતો હતો અને તેણે આ પદનો દુરુપયોગ કરીને પોતાની અંગત ખરીદીને વ્યવસાયિક ખર્ચ તરીકે દર્શાવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર પટેલ પર આ નાણાંનો ઉપયોગ મોંઘા વાહન, પોર્ટે વેડ્રા બીચમાં એક એપાર્ટમેન્ટ, ક્રિપ્ટો કરન્સી અને 95 હજાર ડોલરની ઘડિયાળ ખરીદવાનો આરોપ મૂકાયો છે.
આરોપીના વકીલ એલેક્સ કિંગે જણાવ્યું હતું કે તેમનો અસીલ પોતાના કૃત્યો માટે શરમ અનુભવે છે અને માફી માગે છે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે અમિત પટેલને જુગારની લત છે અને આ લતને પગલે જ કલબમાં નાણાની છેતરપિંડી કરી હતી. જુગારમાં હારેલી રકમ ચુકવવા માટે ફૂટબોલ કલબના નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter