નવી દિલ્હી: અમેરિકાની વધુ એક કાર કંપની ભારતમાંથી વિદાય લઇ રહી છે. જનરલ મોટર્સ પછી ફોર્ડ મોટર્સ દ્વારા ભારતમાં તેનાં બંને પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની દ્વારા ભારતમાં વેચાણ માટે તેનાં વાહનોનું ઉત્પાદન કરવાનું તત્કાળ બંધ કરાશે. ગુજરાતમાં સાણંદ ખાતે આવેલો તેમજ ચેન્નઈમાં આવેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરીને તાળાં મારવામાં આવશે. આ કારણે ૪૦૦૦ લોકોની નોકરી જોખમમાં આવી ગઇ છે.
કંપનીએ કરેલી જાહેરાત અનુસાર, સાણંદ ખાતે માત્ર એન્જિન ઉત્પાદનનું કાર્ય ચાલુ રહેશે. આ અગાઉ યુએસની જનરલ મોટર્સે પણ ભારતમાં ગુજરાત ખાતેનો તેનો પ્લાન્ટ બંધ કર્યો હતો. ફોર્ડ દ્વારા ગુજરાતનાં સાણંદ ખાતે નિકાસ માટે વાહનોનું ઉત્પાદન કરવાની કામગીરી ૨૦૨૧નાં ચોથા ક્વાર્ટરથી બંધ કરાશે જ્યારે ચેન્નઈ ખાતે વાહનો તેમજ એન્જિન બનાવવાનો પ્લાન્ટ ૨૦૨૨નાં બીજા ક્વાર્ટર સુધીમાં બંધ કરાશે. કંપનીને તેનાં બંને પ્લાન્ટ બંધ કરતા આશરે ૧ વર્ષ લાગશે. કંપની કેટલાક મોડેલની આયાત કરીને ભારતમાં તેનું વેચાણ ચાલુ રાખશે. હાલનાં ગ્રાહકો માટે ડીલર્સ સર્વિસ પણ ચાલુ રાખશે.
૧૦ વર્ષમાં ૨ બિલિયન ડોલરની ખોટ
ફોર્ડ કંપનીએ જણાવ્યું હતું કે ૧૦ વર્ષમાં કંપનીને ૨ બિલિયન ડોલર કરતાં વધુ રકમની જંગી વૃદ્ધિગત ઓપરેટિંગ ખોટ ગઈ હતી. ૨૦૧૯માં કંપનીએ ૦.૮ બિલિયન ડોલરની નોન ઓપરેટિંગ એસેટ્સ માંડવાળ કરી હતી. ભારતમાં નફાકારક બિઝનેસ માટે ફોર્ડને તેની એસેટ્સ અને કામગીરીનું રિસ્ટ્રકચરિંગ કરવાની ફરજ પડી હતી. કંપનીએ એક તબક્કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ભાગીદારી કરીને કેટલાક મોડેલ બનાવવાનું નક્કી કર્યું હતું પણ એક યા બીજા કારણોસર આ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો.