ફ્લાઇટ મોડી કેમ પડી?

Wednesday 23rd December 2015 06:11 EST
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બ્રિટન યાત્રા દરમિયાન અમદાવાદથી લંડનની સીધી ફ્લાઈટની કરેલી જાહેરાત મુજબ જ હાલમાં ફ્લાઈટ શરૂ તો થઈ ચૂકી છે, પરંતુ આ ફ્લાઈટના મુસાફરોને પૂરતી સગવડ પૂરી પાડવામાં અમદાવાદ એરપોર્ટ ઉણું ઉતરી રહ્યું છે. આ ફ્લાઈટ માટે અલાયદી લાઇન ન હોવાથી મુસાફરોની ભીડ રહે છે. ત્યાં સુધી કે જે ક્લાસ તથા ઇકોનોમી ક્લાસના મુસાફરોની પણ લાઇન જુદી નથી.
આ તમામ અવ્યવસ્થાઓ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ ગુજરાત સમાચાર - એશિયન વોઈસ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, લંડન અમદાવાદની ફ્લાઈટની હાલમાં શરૂઆત જ થઈ છે તેથી પ્રત્યક્ષ રીતે ફ્લાઈટની ઉડાન અને તેના મુસાફરોની સુવિધા માટે પ્રાયોગિક ધોરણે પગલાં લેવાઈ રહ્યાં છે. આ ઉપરાંત આ ફ્લાઈટના સમયે જ અન્ય ત્રણેક ફ્લાઈટનું શિડ્યુલ હોવાથી ચારેક ફ્લાઇટના મુસાફરોની ભીડ રહે છે તેથી મુસાફરોને અગવડ પડે છે અને એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાય છે.
આશરે એકાદ મહિનામાં આ દરેક પ્રશ્નોનું નિરાકરણ આવી જશે તેવું અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનું માનવું છે.
આ ફ્લાઈટ શરૂ થયા બાદ આશરે બે દિવસ માટે ઓછામાં ઓછી છ કલાક મોડી પડી હતી એ બાબતનો ખુલાસો આપતાં એર ઇન્ડિયાએ ગુજરાત સમાચારને જણાવ્યું કે, બે દિવસ ફ્લાઈટ સમયસર ન હોવાનું એકમાત્ર કારણ પાઇલટના ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન્સ હતાં. સરકારના નિયમ મુજબ કોઈ પણ પાઇલટને અમુક સમયથી વધારે ઉડાનની કે ઉડાન માટે ઓર્ડરની છૂટ હોતી નથી. આ ઉપરાંત લંડન – અમદાવાદની ડ્રીમ લાઇનર માટે નિષ્ણાત પાઇલટની ડ્યૂટી જરૂરી હોવાથી ફ્લાઈટ સમયસર રહી શકી નહોતી. સતત બે દિવસ ફ્લાઇટ મોડી થતી આવી એ પછીથી એર ઇન્ડિયાએ ક્રૂ મેમ્બર્સ માટે યોગ્ય સમય પત્રક ખાસ તૈયાર કર્યું છે અને એ પત્રકનું અનુસરણ પણ થઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter