અમદાવાદઃ ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ૧૩ વર્ષની કિશોરીની છેડતી કરનારા લેબર કોન્ટ્રાક્ટર છે અને ગાંધીનગર ભાજપના ઉપપ્રમુખ અશોક મકવાણાની ૩૧મી મેએ સરદારનગર પોલીસે ધરપકડ કરી છે. મકવાણાએ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું છે કે, કદાચ સૂતી વખતે કિશોરીને હાથ અડી ગયો હશે, પરંતુ કિશોરી તથા તેનો પરિવાર પોતે કરેલી ફરિયાદ સામે અડીખમ છે.
ગોવાથી તા. ૨૭-૫-૨૦૧૬ની રાત્રે ફ્લાઇટમાં અમદાવાદ એકલી આવી રહેલી ૧૩ વર્ષની કિશોરીની તેની બાજુમાં બેઠેલા અશોક મકવાણાએ છેડતી કરી હતી. તેવી જાણ કિશોરીએ તેના માતાપિતાને કરતા તેમણે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં રહેતી અને એક કોર્પોરેટ કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટની ૧૩ વર્ષની પુત્રી તેના ગોવામાં રહેતા મામાને ત્યાં ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરતા આરોપીનું નામ અશોક મકવાણા હોવાનું ખુલ્યું હતું. મકવાણા તેના ચારથી પાંચ મિત્રો સાથે ગોવા ફરવા ગયા હતા. ફ્લાઇટમાં તેમણે સીટની અદલાબદલી કરી હતી. જેમાં કિશોરીની બાજુની સીટ મકવાણાના મિત્રની હતી તે સીટ પર મકવાણા બેઠા હતા.


