ટેમ્પાઃ ફ્લોરિડા રાજ્યનાં એક શહેરનાં માર્ગનું ડો. કિરણ પટેલ નામકરણ કરાયું છે. દસકાઓથી અમેરિકામાં સ્થાયી અને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા કિરણ પટેલ અને પલ્લવી પટેલનું નામ શિક્ષણ ક્ષેત્રમાં દાતા તરીકે ખૂબ જ જાણીતું છે. ફ્લોરિડાના ટેમ્પા બે એરિયામાં ક્લિયરવોટર નગરના એ માર્ગે કાઉન્સિલની યાદીમાં ‘ડો. કિરણ પટેલ બુલેવાર્ડ’ તરીકે સત્તાવાર સ્થાન મેળવ્યું છે. અગાઉ દમાસ્કસ રોડ તરીકે ઓળખાતા માર્ગ પર નોવા સાઉથઇસ્ટર્ન યુનિવર્સિટી સાકાર થઇ રહી છે, જેમાં કાર્ડિયોલોજીસ્ટ ડો. કિરણ પટેલ અને પિડિયાટ્રિશ્યન ડો. પલ્લવી પટેલે ૫૦ મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું છે, જે ફ્લોરિડામાં શિક્ષણ ક્ષેત્રે અપાયેલું સૌથી મોટું ડોનેશન છે. યુનિવર્સિટીમાં ડો. કિરણ સી. પટેલ કોલેજ ઓફ ઓસ્ટીયો-પેથિક મેડીસીન અને ડો. પલ્લવી પટેલ કોલેજ ઓફ હેલ્થકેર સાયન્સીસનું નિર્માણ થવાનું છે. પટેલ દંપતીનું કહેવું છે કે યુનિવર્સિટીનો ઉદ્દેશ તબીબોને તાલીમબદ્ધ કરવાનો છે જેથી તેઓ વતન પરત ફરી કચડાયેલા વર્ગની સારવાર-સુશ્રુષા કરે.


