અમદાવાદઃ દેશનું પ્રથમ એવિએશન પાર્ક અમદાવાદ નજીક આવેલા બગોદરા ખાતે ૬૦ હેક્ટરના એરિયામાં તૈયાર કરાશે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો સહિત લોકોમાં એવિએશન સેક્ટર અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલથી તૈયાર થનારા આ એવિએશન પાર્કમાં હવાઈ ક્ષેત્રના સાહસિકો માટે એર સ્ટ્રીપ, ટ્રેનિંગ સ્કૂલ, હેલિપેડ તેમ જ એરક્રાફ્ટના રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે જરૂરી સ્પેરપાર્ટના ઉત્પાદન એકમો તૈયાર કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેલ)ના સીઈઓ અને ડાયરેક્ટર ઓફ સિવિલ એવિએશન ગુજરાતના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણે આ વિશે જણાવ્યું કે, વિશ્વમાં આવા ત્રણ કે ચાર પાર્ક જ છે. ત્યારે રાજ્યમાં એવિએશન સેક્ટરને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ એવિએશન પાર્ક પીપીપી ધોરણે અમદાવાદમાં બનવાનું આયોજન કરાયું છે. જેના માટે ગુજસેલને જરૂરી જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ગુજસેલ દ્વારા આ પાર્ક માટે અમદાવાદથી આશરે ૩૦ કિલોમીટર દૂર બગોદરા ખાતે ૬૦ હેક્ટર જમીનની પસંદગી કરી લેવામાં આવી છે.

