ગાંધીનગરઃ કેટલાક નવરાત્રિ મહોત્સવમાં આવતા વિધર્મીઓની લવ જેહાદની પ્રવૃત્તિ રોકવા તથા ગરબાના સ્થળની પવિત્રતા જાળવવા નામે ગાંધીનગરમાં બજરંગ દળ દ્વારા દર્શકોને તિલક કરીને ગૌમૂત્ર છાંટવાના કાર્યક્રમની મંજૂરી માંગવામાં આવી હતી. દરમિયાન ગરબા નિહાળવા ગયેલા એક નાગરિક સાથે બજરંગ દળનાં કાર્યકરો દ્વારા ગૌમૂત્ર છાંટવા માટે બળજબરી કરાઈ હોવાની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર-૭ના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.
બજરંગ દળ દ્વારા નવરાત્રિ પૂર્વે કરવામાં આવેલી આ અપીલને બે મોટા આયોજકો દ્વારા સ્વીકારવામાં આવી હતી. દરમિયાન સેક્ટર-૨૬માં રહેતા દેવદત્તસિંહ રાઓલ નામના નાગરિકની મરજી વિરુદ્ધ બજરંગ દળ દ્વારા તિલક કરીને તેમની પર ગૌમૂત્ર છાંટવાનો પ્રયાસ કરતા રાઓલે પોલીસને ફરિયાદ કરી છે.
દેવદત્તે જણાવ્યું કે જે લોકોને આ પસંદ છે તે કરાવે તથા બજરંગ દળના આ કાર્યક્રમ કરવામાં આવે તેની સામે મને કોઈ વિરોધ નથી, પરંતુ કોઈને આ પસંદ ન હોય તો બળજબરી ન થવી જોઈએ.

