અમદાવાદઃ નાણામંત્રી નિર્મલા સીતારમને મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરતાં ગુજરાત સંબંધિત કેટલીક જાહેરાતો કરી હતી, જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રાજ્ય તથા નાગરિકોને અસર કરશે.
સ્પષ્ટ છે કે ભારત સરકાર ગાંધીનગર પાસે સાકાર થયેલા - નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન - ગિફ્ટ સિટી સ્થિત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી)ને આંતરરાષ્ટ્રીય હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત એરક્રાફ્ટ લિઝિંગ કંપનીઓને કેપિટલ ગેઇન્સમાંથી કરમુક્તિ, વિદેશી લીઝ દાતાઓને અપાયેલા લીઝ ભાડામાં ટેક્સ હોલી ડે, આઈએફએસસી ખાતે આવવા માગતા વિદેશી ફંડને કરમાં રાહતો તથા વિદેશી બેન્કોના રોકાણ એકમોને પણ રાહતોની જાહેરાત કરી છે.
આ ઉપરાંત ગિફ્ટ સિટી ખાતે પરસ્પરના કાનૂની વિવાદોના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર ઊભું કરવામાં આવશે. ગિફ્ટ સિટી ખાતે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, ફિનટેક, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ તથા ગણિતના આંતરરાષ્ટ્રીય કોર્સ શરૂ કરવાને છૂટ અપાશે.
વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે. આમ, ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે.
ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ જણાવ્યું હતું કે, ‘આવક વેરામાં મુક્તિ ગિફ્ટ આઇએફએસસીમાં શિપ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ઓફશોર ફંડ મેનેજમેન્ટ અને ઓફશોર બેંકિંગ પ્રવૃત્તિઓ જેવી વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.’
સાયન્સ ટેક્નોલોજીને વિશેષ મહત્ત્વ
ભારત સરકાર સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ-સ્ટેમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, ત્યારે નિર્મલા સીતારમને બજેટ ૨૦૨૨-૨૩ દરમિયાન ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થપાશે એવી જાહેરાત કરી છે. જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવશે.
ભારત દ્વારા હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શનને માન્યતા પ્રદાન કરાઇ છે અને ગુજરાતના અલંગ ખાતેના લગભગ ૯૦ જેટલા શિપબ્રેકિંગ યાર્ડે તેનું સર્ટિફિકેશન મેળવી લીધું છે. આમ હવે યુરોપ તથા જાપાનના વધુને વધુ જહાજો ભાંગવા માટે અલંગ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે.
• દમણગંગા-પંજાલ, પાર-તાપી-નર્મદા સહિત અલગ-અલગ પાંચ નદીઓના જોડાણના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ફાઇનલ થઈ ગયા છે. લાભાર્થીઓ વચ્ચે સહમતી સધાશે એટલે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને હાથ ધરવા માટે સહાય કરાશે.


