અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને હત્યાના આરોપી કહેવા બદલ અને નોટબંધી સમયે અમિત શાહ અને એડીસી બેંક સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસી નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી સામે નોંધાયેલી બદનક્ષીની બંને ફરિયાદોમાં રાહુલ ગાંધી ૧૧મી ઓક્ટોબરે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થયા હતા. અમિત શાહને હત્યાના આરોપી કહેવા બદલની ફરિયાદ અંગે તેમણે કોર્ટમાં કહ્યું કે, તેમને ગુનો કબૂલ નથી અને તેઓ કેસ લડવા માગે છે. આ કેસની સુનાવણીમાં ગેરહાજર રહેવાની કાયમ છૂટ માગતી અરજી પણ કોર્ટમાં કરી છે. કેસની વધુ સુનાવણી સાત ડિસેમ્બરે છે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા નોંધાવાયેલી બદનક્ષીની ફરિયાદમાં રાહુલ ગાંધીની કાયમી ગેરહાજરીની છૂટ માગતી અરજીનો બેંક દ્વારા વિરોધ કરાયો હતો.
આ કેસની સુનાવણી પણ સાતમી ડિસેમ્બરે છે. ગત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન જબલપુરની એક સભામાં અમિત શાહને હત્યાના આરોપી કહેવા બદલ ખાડિયાના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રોપોલિટન કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.


