વડોદરાઃ વાઘોડિયા મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકની ભાજપે ટિકિટ કાપતાં વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૫માંથી દીપકે ૬ ફેબ્રુઆરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે દીપકના સોગંદનામામાં તેને બે બાળકો દર્શાવાયાં હતાં તેની સામે આશિષ જોશીએ વિરોધ નોંધાવી દીપકને ૩ બાળકો હોવાનું જણાવી ચૂંટણીના નિયમનો ભંગ થતો હોવાથી દીપકનું ઉમેદવારીપત્ર રદ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની ગાઈડ લાઈનમાં જે ઉમેદવારને ૩ બાળકો હશે તેમની ઉમેદવારી માન્ય રખાશે નહીં એવું જાહેર કરાયેલું છે. આ નિયમ ધ્યાને લઈને દીપક શ્રીવાસ્તવનું ફોર્મ નામંજૂર થયું હતું. દીપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ થતાં તેના સમર્થકોએ વડોદરામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી હતી. એ પછી ભાજપના આગેવાનો પણ વડોદરા જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા તેથી પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ અધિકારીઓનો કાફલો પણ પહોંચ્યો હતો.

