બાંગ્લાદેશમાં ૪નો હત્યારો આતંકી અમદાવાદમાંથી ઝડપાયો

Thursday 03rd January 2019 05:47 EST
 

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાહઆલમ વિસ્તારમાંથી પકડેલો બાંગ્લાદેશી નાગરિક આતંકવાદી સંસ્થા અન્સારૂલ્લા બંગલા ટીમનો સભ્ય હોવાનું અને બાંગ્લાદેશમાં ૪ વ્યક્તિની હત્યા કરી બોગસ દસ્તાવેજોના આધારે ભરૂચમાં રહેતો હોવાનું ખૂલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર જે. કે. ભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૭ નવેમ્બરે હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ દીપસિંહની બાતમીના આધારે ચંડોળાથી શાહઆલમ જતા રોડ પરથી અજોમ શમસુ શેખની ધરપકડ થઈ હતી. અજોમની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, વિરમગામના એજન્ટ અખ્તરની મદદથી તેણે આધારકાર્ડ, પાનકાર્ડ તથા ચૂંટણીકાર્ડ બનાવડાવ્યા હતા. અજોમ છેલ્લા ૧૫ વર્ષથી આ બોગસ દસ્તાવેજોના આધારે ભરૂચમાં રહેતો હતો. અજોમે કબૂલાત કરી હતી કે તે બાંગ્લાદેશની અલ કાયદા પ્રેરિત આતંકવાદી સંસ્થા એટીબી સાથે સંકળાયેલો છે. ૨૦૧૬થી ૨૦૧૭ના ગાળામાં તે બાંગ્લાદેશ ગયો હતો. ત્યાં તેણે કરમકુલાના વતની બોલાઈ નામના હિન્દુ યુવાનની હત્યા કરી હતી. તેણે આ ગાળામાં મુસ્તુફા ગાઝી તથા અબ્દુલ ગાઝીની પણ હત્યા કરી હતી. ત્યાર બાદ બાંગ્લાદેશના ડુમરિયા ગામના યુવાન ઇમરાન અશદનું પણ ખૂન કરી તેની લાશને પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ખાડો ખોદી દાટી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter