રાજકોટઃ સીધું ને સટ્ટ, ચોખ્ખું ને ચટ્ટ કરીને સટીક વાત લખતા અને કરતા સિદ્ધહસ્ત લેખક, પત્રકાર અને ચિંતક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું રાજકોટમાં હેમુગઢવી હોલમાં ૧૮મી જૂને સન્માન કરવામાં આવ્યું હતું. મોરારિબાપુએ નગીનદાસ સંઘવીના શતાયુ સન્માન સમિતિને આ સરસ પ્રસંગનું આયોજન કરવા બદલ બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે, બાપાને વખાણ નથી ગમતા. આ સન્માન સમારોહ માટે મેં મહામહેનતે પુત્રવત્ તેમને મનાવ્યા હતા. આ કાર્યક્રમમાં પીઢ કથાકાર મોરારિબાપુએ કહ્યું કે, બાપા અમે વખાણ કરવા અહીં ભેગા નથી થયા. આજે ફાધર્સ ડે છે અને સન ડે (દીકરા)નો પણ દિવસ છે. અમે તમને બાપા માનીએ છીએ અને છોકરાઓ તમને પગે લાગવા આવ્યા છીએ.
મોરારિબાપુએ કહ્યું હતું કે, નગીનબાપા વ્યક્તિ નહીં વ્યક્તિત્વ છે. તેમના પુસ્તકો મેં વાંચ્યા નથી, આ માણસને મેં વાંચ્યો છે. એમની સાદગી સો સો અરીસાનો શ્રૃંગાર ઝાંખો પાડી દે તેવી છે. તેમની સરળતા મને સ્પર્શે છે. એમનો લેંઘો આજે સો વરસે પણ ચાર આગળ ઊંચો હોય, જાણે ધર્મરાજાનો રથ, તેમની સંવેદનશીલતા મને ભીંજવી જાય છે. કોઈ પ્રસંગની વાત અમારી વચ્ચે નીકળે તો તેમની આંખો ભીની થઈ જાય. તેમની બૌદ્ધિકતાને તો શત શત વંદન, બુદ્ધ, લાઓત્સે, જીસસ વિશે જ્યારે એ વાતો કરે ત્યારે એમ થાય કે આ માણસના તો વિદ્યાર્થી થવાય.
મોરારિબાપુએ વધુમાં ઉમેર્યું કે બાપા તો જ્ઞાન અને સદગુણનો વીરડો છે. જેટલો ઉલેચાય એટલો ઉલેચો. આ માણસની સાદગી શ્રૃંગાર બની ગઈ છે. મને તેમની બૌદ્ધિકતા પણ આકર્ષે છે. આપણામાં જિજ્ઞાસા અને ભૂખ હોય તો એવી વ્યક્તિ મળી જ રહે છે. આજે કોની સાથે બેસવું તેની ક્રાઈસિસ છે. નગીનબાપા સાથે હું બેસું છું ત્યારે મને સતત અહેસાસ થાય છે કે આ માણસને તો જેટલો ઉલેચાય એટલો ઉલેચો. આ માણસ પર્સન નથી, પર્સનાલિટી છે. વ્યક્તિ નહીં વ્યક્તિત્વ છે. હું એમ નહીં કહું કે બાપા ૧૧૦ વરસ જીવે. બાપાને જેટલું જીવવું હોય એટલું જીવે, પણ જેટલું જીવે એ આટલી જ શાનથી જીવે. મોરારિબાપુએ રાજકોટના આંગણે આ કાર્યક્રમને સાકાર કરનાર નગીનદાસ સંઘવી શતાયુ સમિતિના સર્વે સભ્યો મેયર બીનાબહેન આચાર્ય, જન્મભૂમિ જૂથના સીઈઓ કુંદન વ્યાસ, ચિત્રલેખા જૂથના ચેરમેન મૌલિક કોટક, જાણીતા ઉદ્યોગપતિ જયંતીભાઈ ચાંદ્રા, ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી, ફૂલછાબના તંત્રી કૌશિક મહેતા વગેરેને બિરદાવ્યા હતા. આ કાર્યયક્રમમાં નગીનદાસ સંઘવીનું રૂ. ૧૧,૧૧,૧૧૧ અને શિલ્ડથી સન્માન કરાયું હતું ત્યારે સમગ્ર હેમુ ગઢવી હોલમાં ઉપસ્થિત ભાવકોએ નગીનબાપાને ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
મેં રાજકોટમાં જન્મ લીધો હોત તો મને ગમ્યું હોતઃ નગીનબાપા
શતાયુ સન્માનમાં પોતાની પ્રશંસાનો પ્રત્યુત્તર વાળતાં સાદગીસભર નગીનબાપાએ જણાવ્યું હતું કે, અહીંથી જે કહેવાયું તે સાચું નથી. આપણી પાસે તો ટબુડી જેટલું જ્ઞાન છે. જ્ઞાન તો દરિયો છે દરિયો. આ ભવે પીવાય નહીં એવો દરિયો. હું અહીં મારા ઉપર પ્રેમનો ધોધમાર વરસાદ થયો તેનાથી ગુંગળાઈ ગયો છું. મારી આટલી યોગ્યતા નથી જોતો. મોરારિબાપુ અને આખા પરિવારનો પ્રેમ મેં પામ્યો છે. હું સાધુ તરીકે જીવ્યો નથી પણ મને સાધુ તરીકે મરવું ગમશે. રાજકોટ વિશે તેમણે કહ્યું કે, આ શહેર મારી જન્મભૂમિ નથી. મારી કર્મભૂમિ નથી, પણ મને આ શહેરે ભીંજવી દીધો છે. પ્રેમથી ભીંજવી દીધો છે. મને થાય છે કે આ શહેરમાં જન્મયો હોત તો સારું.
વડા પ્રધાને ભલામણ કરી હતી કે નગીનબાપા જેવા પત્રકારનો આદર કરવોઃ રૂપાલા
કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે બાપાને હું વર્ષોથી ઓળખું છું. આજે નરેન્દ્રભાઈ મોટી પરીક્ષા પાસ કરીને તેમને કામે લાગી ગયા છે. આમ તો આ વાતનો અહીં ઉલ્લેખ ન કરવો જોઈએ, પરંતુ બાપા નરેન્દ્ર મોદી વિશે પુસ્તક તૈયાર કરવાના હતા ત્યારે મને તેમણે નરેન્દ્રભાઈનો સમય મેળવી આપવા કહ્યું હતું. મેં નરેન્દ્રભાઈને વાત કરી. તેમણે કહ્યું કે બાપાને સમય હોય ત્યારે હું મળીશ. સાથે સાથે મને ટકોર કરતાં કહ્યું કે નગીનબાપા જેવા પત્રકાર ખૂબ અભ્યાસ, સંશોધન અને મહેનત કરીને લખતા હોય છે. તેમને આદર સહિત લઈ આવજો. જોકે બાપાએ તેમની તડ ને ફડવાળી કરી. નરેન્દ્રભાઈને કહ્યું કે હું તમને મળીશ. બાદમાં તમારા વિરોધીઓને પણ મળવાનો છું. નરેન્દ્રભાઈએ પણ કહ્યું કે હું તમને રોકું તો પણ તમે રોકાવાના નથી. આ વાણિયો તોપના મોઢા સામે ગણતરીપૂર્વકનું જોખમ લઈ લે. લખતી વખતે કોઈની સાડાબારી ન રાખે, પરંતુ તેના લખવા પાછળ કોઈ ગણિત ન હોય.


