અમદાવાદઃ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દરિયાપારના દેશોમાં સંસ્કાર, સેવા અને સદ્ભાવનો ફેલાવો કર્યો છે તેનું પ્રમાણ તેઓનાં ધામગમન બાદ ઉમટી પડેલો વિદેશવાસી ભારતીયોનો અવિરત પ્રવાહ છે. અનેક દેશોમાંથી પૂજ્ય બાપાના અનુયાયીઓ સારંગપુર આવી પહોંચ્યા હતા. ભારત પહોંચી રહેલાં ભક્તોનાં પ્રવાહને જોઇને મોકાનો ફાયદો ઉઠાવવા અનેક એરલાઇન્સ દ્વારા ટિકિટભાડાં વધારી દેવામાં આવ્યા હોવા છતાં મોંઘીદાટ ટિકીટ ખર્ચીને પણ લોકો સારંગપુર પહોંચ્યા હતા. તેમાં પણ અંત્યેષ્ટિનાં દિવસે તો ૨૫ હજારથી વધુ વિદેશવાસી ભારતીયો પહોંચ્યા હતા.
NRI હરિભક્તોને દર્શનનો વિશેષ લાભ
બુધવારની વહેલી સવારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયેલા આ NRI હરિભક્તો સીધા જ સારંગપુર પહોંચ્યા હતા. જોકે સવારે ૬ વાગ્યાથી ‘બાપા’ના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હોઇ આટલે દૂરથી આવવા છતાં દર્શન ન થવા બદલ વિદેશવાસી હરિભક્તો ભારે આઘાત અને હતાશાની લાગણી અનુભવતા હતા. કેટલીક NRI બહેનો તો ચોધાર આંસુએ રડતી નજરે પડતી હતી. જોકે સાધુ બ્રહ્મવિહારીદાસજી સહિતના સંતોએ આ હરિભક્તોની શ્રદ્ધા-લાગણી પારખીને દર્શન બંધ કરી દેવાયા હોવા છતાં પણ NRI હરિભક્તોને દર્શનનો ખાસ લાભ અપાવ્યો હતો.
આફ્રિકાથી ત્રણ પેઢી હાજર
આફ્રિકામાં વસતાં ૭૦ વર્ષીય અરવિંદભાઇ કુબેરભાઇ પટેલ તેમના બે પુત્રો અને બે પૌત્રો સાથે પ્રમુખસ્વામી મહારાજની અંતિમવિધિમાં હાજરી આપવા સારંગપુર પહોંચ્યા હતા. તેમણે સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે ‘હું જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે યોગીજી મહારાજની અંતિમસંસ્કાર વિધિમાં ગોંડલ ખાતે પણ હાજર હતો અને આજે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ સંસ્કારમાં પણ સારંગપુર તીર્થ ખાતે હાજર છું. હું એકલો જ નહીં, પણ મારી સાથે મારા બે પુત્રો અને બે પૌત્રો પણ આવ્યા છે. અમારા સંપૂર્ણ કુટુંબ ઉપર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ રહ્યા છે. યોગીજી મહારાજના અંતિમ સંસ્કાર થયા ત્યારે અમને એવું લાગ્યું હતું કે જે રીતે યોગીજી મહારાજે પ્રેમ આપ્યો હતો તે મળી શકશે? પરંતુ તેનાં કરતાં પણ બમણો પ્રેમ અમને મળ્યો છે. એટલું જ નહીં, આખેઆખી નવી પેઢીને સંસ્કાર સિંચવાનું કાર્ય તેમણે કર્યું છે.’
કુબેરભાઇએ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ એક એવી વિભૂતિ હતા, જેનું શબ્દોમાં વર્ણન થઇ શકે તેમ નથી. મારો પુત્ર જાય તો તેની જોડે એક પિતા તરીકે વાત કરતા હતા, મારો પૌત્ર જાય તો એક દાદા તરીકે વાત કરે અને હું જઉં તો એક વડીલ તરીકે માર્ગદર્શન આપતા હોય તે રીતે વાત કરે. ખાસ કરીને તેમની સરળતા અને સાદગી એવી હતી કે આજે લાખો લોકો તેમના અનુયાયી બની ગયા છે અને નિ:સ્વાર્થ પ્રેમના માધ્યમે એક આખી સંસ્કારી નવી પેઢી પણ તૈયાર થઇ ગઇ છે. તેમનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાની જે કૂદકે અને ભૂસકે પ્રગતિ થઇ છે, તે ઐતિહાસિક બની રહી છે.’
અરવિંદભાઇનાં પુત્ર યોગેશભાઇના ૧૨ વર્ષીય પૌત્ર કીર્તને જણાવ્યું કે પ્રમુખસ્વામીનાં જીવનમાંથી જે શીખવાનું છે તે એ જ કે તેઓ બધાની સાથે પ્રેમથી વાત કરતાં અને અમારી સાથે તો જાણે ફ્રેન્ડ હોય તેવું અમને લાગતું હતું.


