અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા શંકરસિંહ વાઘેલાને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાય તેવી માગ વધુ ઉગ્ર બની છે.
જેને પગલે કોંગ્રેસ હાઇકમાન્ડે સોમવારે તુરંત પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામતને મુંબઇથી ગુજરાત દોડાવ્યા છે. શંકરસિંહના નિવાસસ્થાને વસંગ વગડોમાં ૧૭મીએ સાંજે સાત વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી બેઠકનો દોર જામ્યો હતો, જેમાં પ્રભારી કામત સમક્ષ શંકરસિંહ જૂથના ૩૬થી ૩૮ ધારાસભ્યોએ એકીસૂરે રજૂઆત કરી હતી કે ચૂંટણીમાં શંકરસિંહને પક્ષની કમાન સોંપી મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ.
બેઠકમાં હાજર ધારાસભ્યોએ દાવો કર્યો કે, અમે પ્રભારી કામત સમક્ષ રજૂઆત કરી છે કે ચૂંટણી જીતવી હોય તો દરેકની જવાબદારી નિશ્ચિત હોવી જરૂરી છે. પક્ષની કમાન કોઇ એક વ્યકિતના હાથમાં હોવી જોઇએ. શંકરસિંહ વાઘેલાને ચૂંટણીમાં કમાન સોંપી છુટ્ટોદોર આપવો જોઇએ.


