કેવડિયા કોલોનીઃ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં નવી બેચના આઇએએસને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, નવા માર્ગ, નવા લક્ષ્ય માટે ટ્રેનિંગની મોટી ભૂમિકા હોય છે. સ્કીલ સેટના ડેવલપમેન્ટ હોય છે. પહેલા તેને બહુ મહત્ત્વ આપવામાં આવતું નહોતું. મારા માટે નવીનતાનો મતલબ એટલે કાયાપલટ કરવી છે. નવું કરવાનો ઈરાદો રાખો છો તો તમારી વાતમાંથી નવી આશાનો સંચાર થાય છે.
આપ સહુએ દેશ સંભાળવાનો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી ૨૫ વર્ષ આપ સૌએ જ ભારત દેશને સંભાળવાનો છે. હવે, તમે આમ જનતાની નજીક જાવ અને લોકોની સમસ્યાઓ સમજો. બાબુગીરી ના કરશો, જેમ બને તેમ જલ્દી નાના નાના જનસમૂહ સુધી પહોંચો અને એમની સમસ્યાઓ સમજી દેશને વિકાસ તરફ આગળ લઈ જાવ. દેખાશે અને છપાશેના અભિગમથી બચો એટલે કે કામ કરવા માટે મીડિયામાં ના આવો, પરંતુ કામ કરીને મીડિયામાં આવો.
ગત વર્ષે આજના દિવસે તમારા અગાઉના ઓફિસર્સની ટ્રેનિંગ દરમિયાન વાત થઈ હતી. ત્યારે નક્કી થયું હતું કે, દર વર્ષે આ જ દિવસે આપણે મળીશું અને સાથે રહીને ચિંતન-મનન કરીશું. આ વખતે તમે મસૂરીમાં છો અને વર્ચ્યુઅલ રીતે જોડાયેલા છે. કોરોનાનો પ્રભાવ ઓછો થાય તો નવી બેચ માટે કેવડિયામાં કેમ્પ યોજીશું.
સંકલ્પથી સિદ્ધિ
સંકલ્પથી સિદ્ધિનું એક શાનદાર ઉદાહરણ એ છે કે, તમે ભારતના જે કાળખંડમાં છો, જે સિવિલ સેવામાં તમે આવ્યા છો તે વિશેષ છે. તમારી બેચ કામ કરવાની શરૂઆત કરશે, ફ્લ્ડિમાં જશો તો તમે ભારતની સ્વતંત્રતાના ૧૦૦મા વર્ષમાં કામ કરતા હશો. આ એક મોટું માઈલસ્ટોન છે. આજે રૂમમાં જઈને ડાયરીમાં લખી લો કે, તમે જ એ ઓફ્સિર છો, જે ભારત પોતાના સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ ઉજવશે તે પણ તમે જોઈ શકશો. ૫૦થી ૧૦૦ વર્ષની સફર ભારત માટે મહત્વની બની રહી છે. તમે આ ૨૫ વર્ષોમાં મહત્વના પ્રશાસનિક વ્યવસ્થાનો ભાગ બની રહેશો. આગામી ૨૫ વર્ષમાં રક્ષા, સુરક્ષા, ગરીબ અને ખેડૂતોનું કલ્યાણ, મહિલા - નવયુવાનોનું હિત, વૈશ્વિક સ્તર પર ભારતનું સ્થાન એ બધું જ તમારા પર નિર્ભર છે.


