ગાંધીનગરઃ બાયોડીઝલના નામે ગુજરાતમાં મોટાપાયે ડુપ્લિકેટ ડીઝલનું વેચાણ થઈ રહ્યું હોવાનો ઘટસ્ફોટ તાજેતરમાં થયો છે. બાયોડીઝલનાં ૯૦ ટકા સેમ્પલ ફેઈલ થયાં છે અને રૂ. ૬.૪૦ કરોડનું ડુપ્લિકેટ ડીઝલ રાજ્યમાંથી જપ્ત કરાયાના અહેવાલ છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, વલસાડ, બનાસકાંઠા આમાં મોખરે છે. ડુપ્લિકેટ ડીઝલ ૧૫ રૂપિયા સસ્તું હોવાથી લોકો વિચાર્યા વિના તે ગાડીમાં પુરાવે છે. બેરોકટોક ડુપ્લિકેટ ડીઝલના વેચાણથી રાજ્ય સરકારને આશરે રૂ. ૧૮૦૦ કરોડનું વાર્ષિક નુકસાન થઈ રહ્યું હોવાનો અંદાજ છે.
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે છેલ્લા બે મહિના દરમિયાન આવા બિનઅધિકૃત બાયોડીઝલનું વેચાણ કરતા પંપ પર પોલીસ, જીએસટી તથા અન્ય વિભાગોની મદદ લઈ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. જેમાં ૯૦ ટકા કિસ્સામાં શુદ્ધ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત ડીઝલ વેચાતું હોવાનું ખૂલ્યું હતું.

