અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સતત ૨૩માં વર્ષે પણ ભાજપ પ્રેરિત સમરસ પેનલનો દબદબો રહ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સમરસ પેનલના નડિયાદના કિરીટ બારોટ ચેરમેન તરીકે અને ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યના ૮૦ હજાર વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. જેમાં છેલ્લા ૨૩ વર્ષથી સમરસ પેનલ સત્તા પર છે. સમરસ પેનલના સંયોજક જે. જે. પટેલની અધ્યક્ષતામાં શનિવારે સાંજે યોજાયેલી બેઠકમાં ચેરમેન, વાઈસ ચેરમેન સહિત ૬ કમિટીના હોદ્દેદારો નક્કી કરાયા હતા. રવિવારે બપોરે ૩ વાગે બાર કાઉન્સિલમાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે વિરોધ પક્ષના પરેશ વાઘેલાએ કહ્યું હતું કે, પ્રથમ વખત બાર કાઉન્સિલમાં સિનિયર ધારાશાસ્ત્રીઓની નિમણૂક થતાં સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે તો કોઈ વાંધો નથી.