બારડોલી સત્યાગ્રહમાં મહિલાઓની મહત્ત્વ ભૂમિકા હતી

Wednesday 13th June 2018 06:25 EDT
 
 

બારડોલીઃ બરાબર ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલના વડપણમાં અંગ્રેજો સામે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સફળતા મળી હતી. જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા હતા. બારડોલી કોલેજના પૂર્વ પ્રાધ્યાપક મગનભાઈ આઈ.પટેલે પોતાના પીએચ.ડી. નિબંધમાં નોંધ્યા પ્રમાણે ભીખીબહેને સૌથી પહેલાં વલ્લભભાઈને સરદાર કહ્યાં હતા. ભીખીબહેન બારડોલી પાસે આવેલા આકોટી ગામના વતની હતા. એ સત્યાગ્રહમાં મહિલાઓનો અત્યંત મહત્ત્વનો ફાળો હતો.
ખેતરમાં ધાન પેદા થાય કે ન થાય અંગ્રેજોએ નક્કી કરેલો ૩૦ ટકા વેરો સરકારને ચૂકવી આપવા સામે બારડોલીમાં રોષ ફેલાયો હતો. આ કર લાદવાના બે વર્ષ પહેલાં બારડોલી પૂરનો ભોગ બન્યું હતું અને ભૂખમરાની સ્થિતિ હતી. જિલ્લાનો ખેત ઉત્પાદન કુલ ખર્ચ રૂ. ૩૨ લાખ જ્યારે ખેત પેદાશની આવક રૂ. ૨૯ લાખ હતી. એટલે કે જિલ્લાના ખેડૂતો ૩ લાખથી વધુ રૂપિયાની ખાદ્યમાં ચાલતા હતા. એ સંજોગોમાં પણ મહેસૂલ લદાયો.
તે સમયે સ્થાનિક નેતા નરહરિ પરીખે ગાંધીજીનું ધ્યાન દોર્યું. જેથી સરકારે પહેલા મહેસૂલ ઘટાડી ૨૯ ટકા કર્યું, પછી ૨૨ ટકા, પણ ખોટ ખાઈ રહેલા ખેડૂતો શું ચૂકવી શકે? જેથી ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહની આગેવાની આપી. વલ્લભભાઈએ બારડોલીમાં ધામા નાખ્યા અને ખેડૂતો, અધિકારી, સ્થાનિક વેપારી વગેરેના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની શરૂઆત કરી. વલ્લભભાઈ સ્થાનિક લોકોની હિંમત તપાસ્યા વગર ક્યારેય લડત આગળ ધપાવતા ન હતા. બીજી તરફ સરકારે કુલ ૬ હજારથી વધુ ખેડૂતોને નોટિસ મોકલી હતી કે મહેસૂલ ભરો નહીં તો મિકલત જપ્ત થશે. જમીન જપ્તીના જવાબમાં વલ્લભભાઈએ કહ્યું હતું કે માણસને બે ગજથી વધુ જમીન ન જોઈએ. એમના અત્યાચાર સામે ઝૂકશો નહીં
મહિલાઓનો વિદ્રોહ
લડતની નોંધમાં કનૈયાલાલ મુનશીએ નોંધ્યુ છે કે ખેડૂતો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ આંદોલનમાં ઊમટી પડતી. ફરતાં ફરતાં વલ્લભભાઈ કોઈના ઘરે જઈને પૂછે કે 'બહેન, ડર તો નથી લાગતો ને?' તો મહિલા જવાબ આપતી કે 'તમે બેઠા હોય પછી અમારે શી ફિકર?' વલ્લભભાઈ મહિલાઓને પૂછતા કે 'ડરીને તમારા ધણી મહેસૂલ ભરી દેશે તો તમે શું કરશો?' મહિલાઓ જવાબ આપતી કે 'તો પછી ધણીને ઘરમાં પગ નહીં મૂકવા દઈએ.'
હિન્દુસ્તાનનું બારડોલીકરણ
બારડોલી પછી આખા હિન્દુસ્તાનમાં લડી લેવાનો ઉત્સાહ પ્રસરી ગયો હતો. માટે 'હિન્દુસ્તાનનું બારડોલીકરણ' એવા શબ્દ પણ વપરાતો હતો. ચાર મહિના ચાલેલી લડતમાં એક પણ જીવ ગયો ન હતો, માટે ચક્રવર્તી રાજગોપાલાચારી અને સુભાષબાબુ જેવા નેતાઓએ સરદાર પટેલની કામગીરીના સર્વત્ર વખાણ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter