અમદાવાદઃ બીટકોઈન કેસના ફરિયાદી બિલ્ડર શૈલેષ ભટ્ટે પોતાના અપહરણમાં નલિન કોટડિયાની સંડોવણી હોવાનો આક્ષેપ મૂક્યા પછી કોટડિયા વિદેશ ભાગી ગયાની ચર્ચા છે તો બીજી તરફ શૈલેષ પર પણ આક્ષેપ છે કે તેણે ધવલ માવાણીનું અપહરણ કરીને તેની પાસેથી રૂ. ૧.૩૧ અબજના બીટકોઈન અને રૂ. ૧૪.૫ કરોડ પડાવ્યા છે. સીબીઆઈ હવે આ નવા પ્રકરણની તપાસ કરી રહી છે.
સુરતના દિલીપ કાનાણીએ ૩૦ જાન્યુઆરીએ પોતાનું લેપટોપ ઠીક કરવાના બહાને પીયૂષ સાવલિયાને ફોન કરીને બોલાવ્યો હતો. પછી પીયૂષને બીટકોઈન તથા રોકડ રકમ આપવા ગન દેખાડીને આંખે પાટા બાંધીને એક ફાર્મ હાઉસમાં લઈ ગયા અને ત્રણ દિવસ તેને ગોંધી રાખીને વીડિયો બનાવ્યો અને તેની પાસેથી ધવલનું સરનામું મેળવી લીધું હતું.
પહેલી ફેબ્રુઆરીએ ધવલનું પણ અપહરણ કરીને તેની પાસેથી જેટલા નાણા જોઈતા હતા તેનાથી વધારે નાણા મેળવી લીધાનું ગોંધી રાખેલા પીયૂષ સાવલિયાને જણાવ્યું. ઉપરાંત ધવલનું અપહરણ કરીને તેની પાસેથી અમે કરોડો રૂપિયા અને બીટકોઈન કઢાવી લીધા છે અને તારું તથા ધવલનું અપહરણ થયું છે તે વાત કોઈને કરતો નહીં, એમ આરોપીઓએ તેને કહ્યું હતું.
એ પછી ગભરાયેલો પીયૂષ ત્રણ મહિના સુરત બહાર રહ્યો હતો. બાદમાં તેને ધમકાવીને વિદેશ મોકલી દેવામાં આવ્યો હતો. વિદેશથી પીયૂષ પરત આવતાં તેની પાસે ધમકાવીને શૈલેષ અને તેના સાગરીતોએ કોઈ અપહરણ કર્યું ન હોવાનું સોગંદનામું બળજબરીથી કરાવી નોટરી કરાવી લેવાયું હતું. તે સિવાય પીયૂષના અપહરણ બાબતે મોઢું બંધ રાખવા લાલચ પેટે રૂ. ૩૪,૫૦,૦૦૦ અપાયાં હતા. તપાસ દરમિયાન પીયૂષે પોલીસ સમક્ષ ૨૦ લાખ રજૂ કર્યાં હતાં. તે સિવાય ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ અમે સુરત ક્રાઈમ બ્રાંચથી આવ્યા છે કહીને શૈલેષના કથિત ભાગીદારો કિરીટ વાળા અને જીજ્ઞેશ મોરડિયાએ ધવલ માવાણીનું તેની સુરતની અનુપમ આર્કેડની ઓફિસના પાર્કિંગમાંથી લેપટોપ સાથે ફોર્ચ્યુનર કારમાં અપહરણ કર્યું હતું.
શૈલેષ અને તેના ભાગીદારોએ ધવલને પીયૂષનો અપહરણ સમયનો મોબાઈલથી ઊતારેલો વીડિયો બતાવી મારઝૂડ કરી હતી અને બીટકોઈન તથા રોકડ રકમ આપવા દબાણ કર્યું હતું. બાદમાં નિકુંજ ભટ્ટ મારફતે ધવલ માવાણી પાસેના લેપટોપમાંથી ૨૨૫૬ બીટકોઈન (એક બીટકોઈનની કિંમત આશરે ૫.૮૧ લાખ પેટે ૧,૩૧,૦૭,૩૬.૦૦૦) શૈલેષના મોબાઈલમાં રહેલા બ્લોકચેઈન વોલેટમાં બંદુકની અણીએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઉપરાંત વધુ રકમ પડાવવા ધવલ પાસેના ૧૧,૦૦૦ લાઈટ કોઈન ટ્રાન્સફર કરાવવા કિરીટ પાલડિયાના બિનાન્સ એક્ષટેન્જના વોલેટમાં ધવલ મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. પાલડિયાએ આ લાઈટ કોઈનમાંથી ૧૬૬ બીટકોઈનમાં તબદીલ કર્યા હતા. જેની કિંમત રૂ. ૯,૬૪,૪૬,૦૦ હોવાનું પોલીસે કહ્યું હતું.


