અમદાવાદઃ રૂ. ૧૫૫ કરોડના બિટકોઈન ખંડણી કેસમાં સૂત્રધાર શૈલેષ ભટ્ટે વર્ષ ૨૦૧૩માં કરજણ ગામ પાસે કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ માટે જમીન ખરીદીના નામે ૧૪ કરોડની ઠગાઈ કર્યાની તપાસ અંતે સીઆઈડી કરી રહી છે. આ જમીન સોદામાં ‘વચેટિયા' તરીકે ભૂમિકા ભજવનાર મિતેશ ભટ્ટ અને મહેશ ભટ્ટને પકડી પાડવામાં સીઆઈડીએ સફળતા મેળવી છે. મહત્ત્વના બે વચેટિયા પકડાતાં શૈલેષ ભટ્ટના જમીન કૌભાંડ અને રૂ. ૧૨.૭૫ કરોડ પચાવી ગયાના કિસ્સામાં મહત્ત્વની વિગતો મળવાની સીઆઈડીને આશા છે. આ કૌભાંડના નાણાંનું શૈલેષ ભટ્ટે બિટકોઈનમાં રોકાણ કર્યા અંગે સીઆઈડી તપાસ કરી રહી છે.
વડોદરામાં રહેતા જમીન દલાલ સોનેશભાઈ રાવજીભાઈ પટેલે શૈલેષ ભટ્ટ ઉપરાંત કરજણના કંબોલા ગામના અનુપમભાઈ બાલુભાઈ પટેલ, નગીનભાઈ અંબાલાલ પટેલ અને આણંદના મિત્તલભાઈ છગનભાઈ હિરાણીને આરોપી તરીકે દર્શાવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું હતું કે, આણંદના મિત્તલ હીરાણી થકી શૈલેષ ભટ્ટ સાથે ઓળખાણ થઈ હતી. વર્ષ ૨૦૧૩માં શૈલેષ ભટ્ટે કહ્યું હતું કે, ‘પોતે મૂળી સ્થિત સ્વામીનારાયણ મંદિરનો વહીવટ કરે છે અને ધાર્મિક હેતુ માટે જમીન ખરીદવાની છે. આ જમીનનું બાનાખત કરી આપી રૂ. ૧૩.૭૫ કરોડ મેળવી બિટકોઈનમાં રોકાણ કરાયા અંગે સીઆઈડીની તપાસને વેગ મળશે તેવી આશા છે.
નલિન કોટડિયા માટે અરજી
સીઆઈડીમાં હાજર થવાની અરજી આપનાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા બે મહિનાથી શોધ્યાં મળતાં નથી. હવે, સીઆઈડીએ નલિન કોટડિયાને પ્રોકલેઈમ્ડ ઓફેન્ડર એટલે કે જાહેર આરોપી ઠરાવવા માટે અદાલતમાં અરજી કરવા કવાયત શરૂ કરી છે. અદાલતમાંથી મંજૂરી મળ્યા બાદ નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા અને જાહેરમાં તેમના પોસ્ટર્સ લગાવવા સત્તાવાર કાર્યવાહી કરવામાં આવશે.


