ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૨૪ સપ્ટેમ્બરે બિનઅનામત વર્ગ માટે રૂ. એક હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ શિક્ષણ, નોકરી અને સ્વરોજગારમાં સહાયરૂપ થઈ ગુજરાતની વિકાસકૂચને આગળ વધારશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી વધારે સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલન બાદ સરકાર આ પેકેજ જાહેર કર્યું હતું. પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિતની બિનઅનામત વર્ગની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોની બહોળી ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, અઢી મહિનાથી તમને જેટલી પરેશાની હતી તેટલી જ અમને પણ હતી. સૌએ જોયું કે આંદોલન કેવી વ્યક્તિઓના હાથમાં ચાલ્યું ગયું. હવે બધાને સમજાયું છે. આ પેકેજને લોકોની વચ્ચે લઈ જઈ સમાજમાં પ્રવર્તેલી ગેરસમજોને દૂર કરવા પણ આગેવાનોને તેમણે અપીલ કરી હતી. સરકારનો મૂળ ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદોને મુખ્ય પ્રવાહ સાથે વિકાસની કૂચમાં આગળ વધારવાનો છે. જોકે, પાટીદાર આંદોલનનના યુવા આગેવાન હાર્દિક પટેલે આ પેકેજને ‘લોલીપોપ’ સમાન ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.
સરકારે રચેલી સમિતિના ચેરમેન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, બિનઅનામત વર્ગ માટેનુ પેકેજ વાસ્તવમાં અનામતવર્ગને પણ ફાયદાકારક રહેશે. આનાથી તમામ વર્ગનાં હિતો સચવાશે. આ પેકેજમાં ગરીબ અને મધ્યમવર્ગનાં તેજસ્વી વિદ્યાર્થી માટે સેલ્ફ ફાઇનાન્સની ફીમાં પચાસ ટકાની મુક્તિની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં તમામ વર્ગ માટેની ઉંમર મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરાયો છે. આ પેકેજથી ૧૨ સાયન્સમાં ૯૦ ટકાથી વધુ પર્સેન્ટાઇલ લાવનારા ૬૦ હજાર તેજસ્વી વિદ્યાર્થીને ફાયદો થશે, તેમને પણ આ પેકેજ દ્વારા સહાય મળશે.
હવે કંઇ પણ થવું ન જોઇએ
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ગુજરાતમાં બિનઅનામતવાળા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સહાય-પેકેજ જાહેર કરતાં પહેલાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વિશે વિશદ્ પૃષ્ઠભૂમિકા આપીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૧ પહેલાંની સ્થિતિની તુલનાએ તબીબી ક્ષેત્રે કોલેજોની સંખ્યામાં ૪૦૪ ટકાનો, બેઠકોની સંખ્યામાં ૪૦૩ ટકાનો વધારો થયો છે, જ્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રે બેઠકોમાં ૫૯૧ ટકાનો વધારો થયો છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે આજે ૨૦૧૫માં ૪૨૯૦૧ બેઠકો ખાલી છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ ૨૦૧૫માં ૪૬ હજાર બેઠકો ખાલી છે. જેમને એડમિશન લેવું હોય તે આવી ને લઈ જાય, અન્યાય ક્યાં છે ? પણ માહિતીના અભાવે ગપગોળા ન ચલાવાય છે.
આનંદી બહેન પટેલે તેમના ભાષણના અંતભાગમાં સ્વર્ણિમ સંકુલ-૨ના હોલમાં ઉપસ્થિત પાટીદાર સમાજના આગેવાનો સામે લાલ આંખ કરતાં જણાવ્યં હતું કે, ‘હવે પછી ક્યાયં પણ કશું થવું ના જોઈએ! જેને સમજાવા પડે તેને સમજાવજો. હવે સમજાવવાની જવાબદારી તમારી છે.’ ભાજપના પ્રધાનો, સાસંદો, ધારાસભ્યો આગેવાનોને ઉદ્દેશીને આનંદીબહેને કહ્યું કે, આ (સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યુ છે તે) વિષય લઈને જ્યાં કોઈને સમજાવવાના હોય ત્યાં જાવ, ઘરે ઘરે જઈને સંદેશો આપવાનો હોય તે હવે તમે કરો.’ આંદોલન દરમિયાન ઘણી બધી વાતો પ્રસરી છે, પણ સાંભળી લ્યો, ૨૦૧૭ સુધી હું રહેવાની જ છું. હું ટકવાની જ છું. જતી રહેવાની નથી.’ એવો માર્મિક ઉલ્લેખ કરતા હોલમાં હાજર પાટીદાર સમાજ સહિત તમામ વર્ગો સમાજના પ્રતિનિધિઓને ઉદ્દેશીને આનંદીબહેને એમ કહ્યું કે, આમાં (રાહત પેકેજમાં) કંઈ પણ સ્પષ્ટતા કરવાનું લાગે તો જરૂર આવજો, અમે બેઠાં છીએ.’
પેકેજને પાટીદારોનો આવકાર
મુખ્ય પ્રધાને જાહેર કરેલા પેકેજના કારણે આંદોલન કરનારા હાર્દિક પટેલના સાથીદારો, કેટલાક યુવા નેતાઓથી લઇને સરદાર પટેલ ગ્રૂપ સાથે સંકળાયેલું એક મોટુ જૂથ આંદોલનમાંથી ખસી ગયું છે અને સરકારના પેકેજને આવકાર આપ્યો છે. એક સમયે હાર્દિક સાથે પત્રકાર પરિષદ કરનારા ધ્રાંગધ્રા એપીએમસીના ચેરમેન મહેશ પટેલ તેમના સાથીદારો સાથે ગાંધીનગરના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પેકેજ જાહેર થયા બાદ કહ્યું હતું કે, સરકારની જાહેરાત યોગ્ય છે. જે રીતે હાર્દિક આંદોલન ચલાવી રહ્યો છે તે જોતા અમે તેનાથી છેડો ફાડી રહ્યા છે. મૂળ એસપીજી સાથે સંકળાયેલા ડો. નચિકેત પટેલની પાટીદાર સંકલન સમિતિએ પણ પેકેજને આવકાર આપ્યો હતો.
પેકેજના મહત્ત્વના મુદ્દા
• સરકારી નોકરીઓ માટે તમામ વર્ગોમાં ઊપલી વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો
• સેલ્ફ ફાઇનાન્સની ફીમાં તેજસ્વી વિદ્યાર્થી માટે ૫૦ ટકા મુક્તીની જાહેરાત
• ધો. ૧૨ સાયન્સમાં ૯૦ ટકાથી વધારે લાવનાર ૬૦ હજાર વિદ્યાર્થીને ફાયદો
• સ્વાવલંબન યોજનામાં ૧૦ લાખ સુધીની લોન પાંચ ટકાના વ્યાજે મળશે
• ઊંચી મેરિટવાળા ઓબીસીથી સેલ્ફ ફાઇનાન્સમાં થતાં જનરલની ફી સરકાર ચૂકવશે.