બિનઅનામત શૈક્ષણિક - આર્થિક વિકાસ નિગમ હેઠળ ૮ સહાય યોજના જાહેર

Thursday 16th August 2018 02:55 EDT
 

ગાંધીનગરઃ પાટીદાર સહિત બિનઅનામત વર્ગની ૫૮ જ્ઞાતિઓના દોઢ કરોડથી વધુ નાગરિકો માટે ગુજરાત સરકારે દસમી ઓગસ્ટે શિક્ષણથી લઈને ધંધા-રોજગાર, વ્યવસાય માટે આઠ મોટી યોજનાઓ જાહેર કરી છે. પાટીદાર અનામત આંદોલનનાં પગલે રાજ્ય સરકારે સમાધાનની ફોર્મ્યુલા પેટે જે બિનઅનામત વર્ગોને પણ શૈક્ષણિક અને આર્થિક લાભ આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરેલો તેની યોજનાઓની ૧૦મી ઓગસ્ટ, શુક્રવારે જાહેર કરી હતી.
રૂ. ૬૦૦ કરોડની ફાળવણી
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક આયોગના નેજા હેઠળ કુલ રૂ. ૬૦૦ કરોડની ફાળવણી સાથે રાજ્યની ૫૮ જ્ઞાતિઓની દોઢ કરોડની વસતીને લાભ થાય તે હેતુથી ખાસ કરીને શૈક્ષણિક અને આર્થિક રાહતોની આઠ યોજનાઓની જાહેરાત કરી હતી, જેમાં સૌથી મહત્ત્વની અને આંખે વળગે તેવી આ વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા રૂ. ૧૫ લાખ સુધીની ચાર ટકા સાદા વ્યાજની લોનની સહાયનો સમાવેશ થાય છે.
વર્તમાન શૈક્ષણિક વર્ષથી જ તેનો અમલ થશે તેવી જાહેરાત કરતાં નીતિન પટેલે એવો પણ દાવો કર્યો હતો કે, બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રથમ યોજના છે. તેમણે એ પણ કહ્યું કે, એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે વિવિધ પ્રકારની શૈક્ષણિક અને આર્થિક સહાય મળે છે તેના જેવી જ બિનઅનામત વર્ગને પણ રાહત આપવામાં આવી છે, જેથી રાજ્યમાં કોઈપણ સમુદાયની વ્યક્તિ સાથે ભેદભાવ ન રહે તે જ આ સરકારનો હેતુ છે.

ઉડતી નજરે...

૧ રૂ. ૧૦ લાખ સુધી ટયૂશન ફી માટે ૪% વ્યાજે લોન મળશે
૨ રૂ. ૧૫ લાખ વિદેશ અભ્યાસ માટે ૪% વ્યાજે લોન મળશે
૩ સમાજ, ટ્રસ્ટની હોસ્ટેલોમાં ભોજન બિલ પેટે રૂ. ૧,૨૦૦
૪ ધોરણઃ ૧૧-૧૨મા ટયૂશન માટે વર્ષે રૂ. ૧૫,૦૦૦ સહાય મળશે
૫ જેઈઈ, ગુજકેટ, નીટ (એનઈઈટી) કોચિંગ માટે રૂ. ૨૦,૦૦૦ સુધી સહાય
૬ યુપીએસસી, જીપીએસસી સહિતની પરીક્ષા માટે રૂ. ૨૦,૦૦૦
૭ સ્વરોજગાર માટે ૫ ટકાના વ્યાજે રૂ. ૧૦ લાખની લોન
૮ ડોક્ટરને ક્લિનિક, એડવોકેટને ઓફિસ શરૂ કરવા સસ્તી લોન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter