અમદાવાદઃ રાજ્યમાં અનેક બિલ્ડર્સ, રાજકીય નેતાઓ, સનદી અધિકારીઓ, કોર્પોરેટ હોસ્પિટલ્સના માલિકો તથા નામાંકિત ડોકટરો પાસે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના દરની કરોડો-અબજો રૂપિયાની કેશ પડી છે. એમાં પણ કેટલાક મોટા ગજાના બિલ્ડર્સ અને નેતાઓ પાસે રૂપિયા ૧૦૦ કરોડથી માંડીને ૧૦૦૦ કરોડની નોટો ધરાવતી રોકડ પડી હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ કાળુ નાણું સુરતમાં છે. જ્યાં ડાયમન્ડ કિંગ્સ પાસે અબજો રૂપિયા પડયા છે. હવે એ સૌને ચિંતા છે કે આ રૂપિયાનો ‘વહીવટ’ થશે કેવી રીતે?
સામાન્ય રીતે સૌથી વધુ કાળા નાણાની રોકડ બિલ્ડરો અને રાજકીય નેતાઓ પાસે હોય છે. મોટા ભાગના બિલ્ડર્સ બંગલા, ફ્લેટ કે ઓફિસના વેચાણ પેટે ૩૦ ટકા રકમ ઓન રેકર્ડ જ્યારે ૭૦ ટકા બ્લેક મની લેતા હોય છે. આ રકમનો ઉપયોગ તેઓ અન્ય જમીનની ખરીદીમાં કરતા હોય છે. આ જ રીતે રાજકીય નેતાઓ કે IAS-IPS અધિકારીઓ પણ ફાઇલો પાસ કરાવવા કે કામો મંજૂર કરવા માટેનો ‘વહીવટ’ રોકડમાં લેતા હોય છે. મોટે ભાગે તેઓ ૫૦૦ કે ૧૦૦૦ના દરની નોટો જ લે છે. કોર્પોરેટ હોસ્પિટલ્સ અને નામાંકિત ડોકટર્સ કે જેઓ મહિને કરોડોથી વધુ કમાણી કરે છે તેઓ પાસે પણ કરોડો રૂપિયાની કેશ હોય છે. આ ઉપરાંત નાના મોટા એન્જિનિયર્સ, આગેવાનો, NGO, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ મંડળો પાસે પણ એક કરોડથી માંડી ૧૦થી ૨૦ કરોડની કેશ રહેતી હોય છે.


