અમદાવાદઃ બીએપીએસના વડા મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર વહેતા થતા હરિભક્તોમાં ચિંતા ઉભી થઈ છે. જો કે ઋતુ પરિવર્તન અને વિચરણથી શારીરિક નબળાઈને લીધે તેમને તાવ તથા શરદી-કફ થયો હોવાની વાત માહિતી મળી છે. મહંત સ્વામીએ આણંદમાં આરામ લીધો હતો. તેમની નાદુરસ્ત તબિયતના નિદાન માટે ૧૯મીએ જ અમદાવાદથી તબીબોની ટીમ આણંદ પહોંચતા તર્કવિતકો થવા લાગ્યા હતા. તબીબીઓએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી અને સાંજના સમયે વિચરણ ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે આ સમગ્ર બાબત વિશે ‘બીએપીએસ સંસ્થા’ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
મહંત સ્વામી ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે આણંદ આવ્યા હતા. આ બધા વચ્ચે સમાચાર વહેતા થયા કે, મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા હરિભક્તોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. નિત્ય દર્શન માટે આવતા હરીભક્તો પણ ચિંતાતુર થઈ ગયા હતા.
એક દિવસીય કાર્યક્રમ રદ
આનંદ અક્ષરકાર્યમાં સત્સંગ સપ્તાહ પારાયણ કાર્યક્રમમાં બીએપીએસના વડા મહંત સ્વામીની તબિયત બગડતાં ૧૯મીએ તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરાયા હતા. તદુપરાંત હરિભક્તોને દર્શન, આશીર્વચન સહિતના કાર્યક્રમો પણ સ્થગિત કરીને તેઓને આરામકક્ષમાં લઈ જવામાં આવ્યા હતા. નિષ્ણાત ડોક્ટર્સની પેનલ તૈનાત કરાઈ હતી. જેમાં તબીબોએ પરીક્ષણ કરતા મંહત સ્વામીનું બ્લડ પ્રેશર લો થયું હોવાનું સંસ્થાનાં આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.


