બીજા લગ્ન કરનાર એનઆરઆઈને બચાવવામાં પોલીસ નિષ્ફળ

Wednesday 05th December 2018 05:25 EST
 

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસમાં એનઆરઆઈ પતિ સામે તેની પત્નીએ લંડનમાં તેના પતિની બીજી પત્ની હોવાની કરેલી ફરિયાદમાં પોલીસે એનઆરઆઈ પતિને બચાવવા આજીવન કેદની જોગવાઈનો ઉલ્લેખ કર્યો નહોતો. પછીથી પતિ ગિરીશ આયંગર અને તેના પિતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં બન્ને જણાને જેલમાં મોકલી અપાયા હતા. સાથોસાથ પોલીસે ફરિયાદમાંથી મહત્ત્વની કલમો દૂર કરવા માટે કરેલી અરજી પણ ફગાવી દીધી હતી.
વસ્ત્રાપુરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ તેના પતિ ગિરીશ આયંગર સહિત સ્વસૂર પક્ષ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ સાસરિયા ત્રાસ આપતા હતા. તેના પતિએ લંડનમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હોવાનો આરોપ ફરિયાદમાં હતો. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદીએ વધુ પુરાવા પોલીસને આપ્યા હતા. બીજી તરફ પોલીસે ગિરીશ આયંગર અને તેના પિતાને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપીઓ સામે ઈપીકોડની કલમ ૪૬૭ અને ૪૬૮ની કલમ ન લાગતી હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેની જાણ ફરિયાદીને થતાં તે વકીલ સાથે કોર્ટમાં હાજર થઈ હતી અને કોર્ટને જણાવ્યું કે, સરકારી ઓફિસમાં લગ્ન સર્ટિફિકેટમાં આરોપીએ પહેલા લગ્નની વિગતો છુપાવી દસ્તાવેજો સાથે ચેડાં કર્યાં છે. પોલીસે આરોપીઓને બચાવવા માટે અને તુરત જામીન મળે તે માટે ગંભીર કલમો દૂર કરી છે. ખરેખર પોલીસ દ્વારા કલમો દૂર કરવા માટે રજૂ થયેલો રિપોર્ટ સત્તા બહારનો હોવાથી તે
રદ કરવો જોઈએ. કોર્ટે કલમો દૂર કરવાની અરજી ફગાવી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter