બીજી લહેરનો અંત: ગુજરાતના ૪ જિલ્લા કોરોનામુક્ત, ૧૫ દિવસમાં એક પણ મોત નહીં

Wednesday 04th August 2021 06:19 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં હવે બીજી લહેરનો અંત આવી ગયો છે. તેમજ દરરોજ ૨૫થી ૩૦ જેટલા જ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ૧ જુલાઈથી ૧૦૦ની અંદર કેસો આવી ગયા છે. તેમજ દરરોજ ૨૫થી ૩૦ જિલ્લામાં શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે ૪ જિલ્લા સંપૂર્ણ કોરોનામુક્ત થઈ ગયા છે. ૩ ઓગસ્ટની સ્થિતિએ પોરબંદર, તાપી, અરવલ્લી અને છોટાઉદેપુર કોરોનામુક્ત બની ગયા છે. આ ચારેય જિલ્લામાં હાલ એકપણ એક્ટિવ કેસ નથી. જ્યારે ૧૧ જુલાઈથી એક પણ કેસ નોંધાયો નથી.
૨૮ જુલાઈએ બે દર્દી ડિસ્ચાર્જ થતા તાપી જિલ્લો કોરોનામુક્ત બન્યો હતો. પોરબંદર ૧ ઓગસ્ટથી, અરવલ્લી ૨૧ જુલાઈથી અને છોટાઉદેપુર ૨૩ જુલાઈથી કોરોનામુક્ત થયા છે. સમગ્ર રાજ્યમાં ૨ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધીમાં ૧૩૧૫ કેસ નોંધાયા છે. જ્યારે ૩૮૪૪ દર્દી સાજા થયા છે. આમ ૨૫૨૯ એક્ટિવ કેસ ઘટ્યા છે. જ્યારે ૧૪ દર્દીના જ મોત થયા છે. માત્ર એટલું જ નહીં, ૧૯ જુલાઈથી એટલે કે સતત ૧૫ દિવસથી એકપણ મોત નોંધાયું નથી.
રાજ્યમાં ૩ ઓગસ્ટની સ્થિતિએ અત્યાર સુધીમાં ૮ લાખ ૨૪ હજાર ૯૨૨ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૭૬ થયો છે. તેમજ ૩ ઓગસ્ટની સ્થિતિએ ૮ લાખ ૧૪ હજાર ૫૯૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૩ ઓગસ્ટની સ્થિતિએ ૨૫૧ એક્ટિવ કેસ છે, જેમાંથી ૪ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૨૪૭ દર્દીની હાલત સ્થિર છે.
ગુજરાતના પાંચ જિલ્લામાં એકપણ કેસ નહીં
અરવલ્લી, છોટા ઉદેપુર, પોરબંદર, તાપી અને ખેડા એમ પાંચ જિલ્લામાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી.
ગુજરાતમાં ૫૦ ટકા વસ્તીને રસી અપાઇ ગઇ
ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪.૯૩ કરોડ લોકોમાંથી ૨.૪૮ કરોડ નાગરિકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આ ઉપરાંત ૭૭.૫૭ લાખ લોકોને બીજો ડોઝ પણ મળી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વેક્સિનેશનના કુલ ૩.૨૬ કરોડ ડોઝ અપાયાં છે. ૨૯ જૂલાઈની સ્થિતિએ ગુજરાતમાં ૪.૩૯ લાખ લોકોને રસી અપાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter