અમદાવાદ, વડોદરા, સુરતઃ સુરતના બીટકોઇન કૌભાંડનાં બીજ નોટબંધી પછીથી રોપાયાં હતાં અને તેનો છેડો દુબઈ સુધી અડતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુરતના વરાછા વિસ્તારનો સતીષ કુંભાણી હોવાનું ખૂલ્યું છે અને હવે ઇન્કમટેક્સ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સતીષ કુંભાણીને પકડવાના પ્રયાસમાં છે. સુરતમાંથી રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ થયું છે, જેમાં વરાછામાં જ ૨૮ કોઇન વહેતા મુકાયા હતા.
શૈલેષ ભટ્ટના કૌભાંડનો ભોગ બનેલા વડોદરાના સોનેશ પટેલે પોલીસ સમક્ષ ધડાકો કર્યો હતો. પટેલે પોલીસને જણાવ્યું હતું કે, અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કે. પી. સ્વામીએ અમને કહ્યું હતું કે, દુબઇથી રૂ. ૧૫૦૦ કરોડનું ફંડ આવી ગયું છે. તમારી જમીન વહેલી છૂટી કરો. તમે ઉતાવળ કરો એટલે તમને પૈસા આપી દઇએ. અમારે પણ સંસ્થાને જવાબ આપવાનો હોય છે. પોલીસે કે. પી. સ્વામી સહિત ત્રણે સંતોનાં નિવેદન લીધાં હતાં. અલબત્ત, આ મુદ્દે કે. પી. સ્વામીનો કાલુપુર મંદિર સ્થિત નંબર પર કોલ કરતાં સંપર્ક થઇ શક્યો ન હતો.
કે. પી. સ્વામી ભૂગર્ભમાં
બીટકોઈનના કૌભાંડી શૈલેષ ભટ્ટ સાથે મેળાપીપણું ધરાવતા કે. પી. સ્વામી તેમના બંને મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં જતા રહ્યા છે. મૂળી સ્વામીનારાયણ મંદિરના મહંતે કહ્યું કે કે. પી. સ્વામી અને આત્મપ્રકાશ સ્વામી સાથે મંદિરને કોઈ સંબંધ નથી. કે. પી. રતનપરના અને આત્મપ્રકાશ સાયલાના છે. જ્યારે રતનપર મંદિરના વહીવટકર્તાએ કહ્યું કે, કે. પી. સ્વામી એક મહિના પહેલાં આવ્યા હતા, હાલ તેમનો કોઈ પત્તો નથી. તેમના ગુમ થતાં અનેકવિધ સવાલો ઊભા થયા છે. કરજણની જૂની જીથરડી ગામની જમીનના કૌભાંડમાં બીટકોઇનના કીમિયાગર શૈલેષ ભટ્ટે કાલુપુર મંદિરના સ્વામીઓનો સહારો લીધો હતો. ભટ્ટના કહેવાથી કે. પી. સ્વામીએ સોનેશ પટેલને રૂ. ૧૦ લાખ આપ્યા હતા.
રોજનું વ્યાજ
લંડનમાં ભણીને આવેલા સતીષ કુંભાણીએ સુરતમાં વર્ષ ૨૦૧૬માં બીટકનેક્ટ કંપની શરૂ કરી હતી. બીટકોઈન લઈને રોકાણકારોને રોજનું વ્યાજ અપાતું હતું. બીટકોઈનનો ભાવ ગગડ્યો નહોતો એટલે ઊંચું વ્યાજ ચૂકવાતું હતું.
બીટકનેક્ટ કોઇન
કુંભાણીની કંપનીએ વર્ષ ૨૦૧૭માં બીટકનેક્ટ નામનો કોઇન લોન્ચ કર્યો, જેને અનેક લોકોએ ખરીદ્યો. શૈલેષ ભટ્ટે તેમાં અંદાજે ૨ કરોડનું રોકાણ કર્યું, તેમાંથી ૬૦ લાખ લેવાના બાકી નીકળતા હતા.


