ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં પોલીસની ખંડણી અને તોડબાજીથી માથું ઊંચકનારું રૂ. ૧૨ કરોડનું બીટકોઈન પ્રકરણ આખરે ઉકેલાઈ ગયું હોવાનો દાવો સીઆડી ક્રાઈમ બ્રાંચે દાવો કર્યો છે. આ કૌભાંડમાં અપહરણ, ખંડણી અને તોડબાજીમાં સંડોવાયેલા બે ભાગીદારોમાં શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડિયા હોવાનું બહાર આવતાં કિરીટ પાલડિયાની ધરપકડ કરાઈ છે. પાલડિયાએ સીઆઈડી ક્રાઈમ બ્રાંચને જણાવ્યું છે કે કુલ ૧૭૮ બીટકોઈન ટ્રાન્સફર કર્યા વગર તેણે પોતાની પાસે જ રાખીને અમરેલી પોલીસને લાંચ તરીકે રૂ. ૧.૩ર કરોડ આપ્યા હતા.
શૈલેષ ભટ્ટનું અપહરણ
ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલ્યું કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અમરેલી પોલીસ દ્વારા અપહરણ કરીને ગાંધીનગર નજીકના ફાર્મમાં તેને ગોંધીને બળજબરીપૂર્વક ર૦૦ બીટકોઈન ટ્રાન્સફર કરી લેવાયા હતા.
સીઆઈડી તપાસ
આ મામલે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધ્યા બાદ શરૂઆતમાં અમરેલી પોલીસના બે જવાનો અને પોલીસના વચેટિયા એવા વકીલ કેતન પટેલની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ ફરાર એવા અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલને પણ પકડી લેવાયો હતો અને જેની સૂચનાથી પોલીસ કામ કરી રહી હતી તે અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
જગદીશ પટેલ સસ્પેન્ડ
રૂ. ૧૨ કરોડના બીટકોઈન કેસમાં ત્રીજી મેએ ગૃહ વિભાગ દ્વારા આ કેસમાં ઝડપાયેલા આઈપીએસ ઓફિસર અને અમરેલીના એસપી, જગદીશ પટેલને સસ્પેન્ડ કરતો હુકમ જારી કરાયો છે.
કિરીટ પાલડિયાની પૂછપરછ
બીટકોઈન પ્રકરણનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે જાણવા માટે સીઆઈડીની ટીમે ભોગ બનનાર શૈલેષ ભટ્ટના ભાગીદાર કિરીટ પાલડિયાની તપાસ આદરી હતી. જેમાં સીઆઈડીને વિગતો મળી કે આ આખી ઘટનાનો મુખ્ય સૂત્રધાર ખુદ કિરીટ પાલડિયા જ છે. જેથી સીઆઈડીએ તેની ધરપકડ કરી હતી.
કિરીટ પાલડિયાએ કબુલાત કરી છે કે, બિલિયન્સ એકાઉન્ટમાં ૨૦૦ બિટ કોઈન ટ્રાન્સફર કરાયા હતા. ૩૫ બીટકોઈન વેચીને અમરેલી પોલીસને ૧.૪૦ કરોડ રૂપિયા અપાયા હતા. હજુ રૂ. ૪૦ લાખનો હિસાબ સામે આવ્યો નથી. રૂ. ૯૦ લાખ હેડ કોન્સ્ટેબલ પવારની પાસે હોવાનું પણ બહાર આવ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાંચે પવારની શોધખોળ શરૂ કરી છે. પાલડિયાએ નેક્સા નામની બીટકોઈન સ્કીમ શરૂ કર્યાનું પણ તપાસમાં જણાયું છે. બીટકોઈન સ્કીમમાં રોકાણકારોને રોકાણ સામે ૩થી ૪ ગણી આવકની લાલચ અપાઈ હતી. હાલમાં
ક્રાઈમ બ્રાંચે રોકાણકારોની પણ તપાસ શરૂ કરી છે.
સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી દીપાંકર ત્રિવેદીએ જણાવ્યું કે શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડિયા ભાગીદાર હતા. જેમાં શૈલેષના ૧૧૦૦ જેટલા લાઈટ કોઈન કિરીટ પાલડિયાના બીનાંસના એકાઉન્ટમાં રાખવામાં આવ્યા હતા. આ લાઈટ કોઈનને બીટકોઈનમાં તબદીલ કરી ૧૬૬ બીટકોઈન બન્યા હતા. ઉપરાંત અન્ય વ્યવહારો મારફતે શૈલેષ ભટ્ટના બીજા દસ બીટકોઈન કિરીટ પાલડિયાના એકાઉન્ટમાં મુકતા કુલ ૧૭૬ બીટકોઈન થયા હતા. જેથી કિરીટ પાલડિયાને આ બીટકોઈન પડાવી લેવાનો વિચાર આવ્યો હતો અને તેણે આખું ષડયંત્ર રચ્યું હતું. જેમાં કેતન પટેલ મારફતે અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
અપહરણનો પ્લાન
અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ અને તેની ટીમે કોબા પાસેથી શૈલેષ અને કિરીટ પાલડિયાનું અપહરણ કર્યું હતું અને કેશવ ફાર્મમાં લઈ જઈ બંધક બનાવી આ બીટકોઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. હકીકતમાં બીટકોઈન ક્યાંય ટ્રાન્સફર થયા જ નહોતા. તે કિરીટ પાલડિયાના એકાઉન્ટમાં જ રહયા હતા. જે માટે ભાગ પણ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં બીટકોઈનની રૂ. ૯ કરોડ ૯૬ લાખ જેટલી રકમ પૈકી ૧પ ટકા હિસ્સો અમરેલી પોલીસને અને ૧પ ટકા અન્ય આરોપીઓ તેમજ ૭૦ ટકા હિસ્સો કિરીટ પાલડિયાએ રાખવાનો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાવતરાખોર કિરીટ પાલડિયા પકડાઈ જતાં સમગ્ર પ્રકરણ ઉકેલાઈ ગયું છે. હવે તપાસમાં અન્ય કોઈની સંડોવણી જણાશે તો તેની ધરપકડ માટે પગલાં ભરાશે.
નલિન કોટડિયાને સમન્સ
બીટકોઈન પ્રકરણમાં કિરીટ પાલડિયાની પૂછપરછમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું પણ નામ બહાર આવ્યું છે. ગાંધીનગર અને સુરતમાં આ તોડબાજી સંદર્ભે કિરીટ પાલડિયા સાથે નલિન કોટડિયાએ બેઠક કરી હોવાનું પાલડિયાએ જણાવ્યું છે. સીઆઈડી ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે નલિન કોટડિયાની તપાસ જારી રાખવા સાથે સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયરની પણ પૂછપરછ હાથ ધરી છે. બીટકોઈન સ્કીમના રોકાણકારોની પણ સીઆઈડીએ તપાસ આદરી છે.
રૂ. ૩ કરોડની જમીન
નલિન કોટડિયાએ ખંડણીની રકમમાંથી રાજકોટમાં રૂ. ૩ કરોડની જમીન ખરીદી હોવાની ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે. કોટડિયાએ આ જમીન માટે સાથી નાનકુ આહિરને રૂ. ૨૫ લાખ આંગડિયા મારફતે મોકલ્યા હતા. સીઆઇડી ક્રાઈમની ટીમે નાનકુ આહિરની રાજકોટમાંથી અટકાયત કરી છે. વધુમાં પાલડિયાએ નલિન કોટડિયાને રૂ. ૬૫ લાખ આપ્યા હોવાનું પણ કબૂલી લીધું હોવાનું સૂત્રોનું કહેવું છે. બિટકોઈન કેસમાં પોતાને કોઈ લેવાદેવા નહીં હોવાનું રટણ કરી રહેલા નલિન કોટડિયાને સીઆઇડી સામે હાજર થવા માટે બે સમન્સ આપ્યા પછી પણ તેઓ હાજર થયા નથી. સીઆઈડીની ટીમે નલિન કોટડિયાની પત્નીનું પણ નિવેદન લીધું છે. છઠ્ઠી મેએ કોટડિયાનાં પત્નીએ નિવેદન આપ્યું હતું કે તેઓ કેટલાક દિવસથી ઘરે આવ્યા નથી.


