બીમાર પુત્રની માતાનો ૨૪ કલાકમાં પાસપોર્ટ નીકળ્યો

Wednesday 30th March 2016 07:38 EDT
 

અમદાવાદઃ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા દરમિયાન યુગાન્ડાના ડેપ્યુટી કોન્સ્યુલેટ જનરલે અમદાવાદની રિજિયોનલ પાસપોર્ટ ઓફિસનો સંપર્ક કર્યો હતો.
ડેપ્યુટી કોન્સ્યુલેટ જનરલે ત્યારે ફોન તેમજ પત્રવ્યવહારમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવેલા નડિયાદના સરદારપુરાનો યુવક ચિરાગ પરમાર યુગાન્ડામાં માંદગીમાં સપડાયો છે. તબીબોએ યુવક અંતિમ શ્વાસ લઈ રહ્યાનો રિપોર્ટ આપ્યો છે અને માતાને જોવાની યુવકની આખરી ઇચ્છા છે, જેને માન આપી યુગાન્ડાની કંપની તેની માતાને એર ટિકિટ મોકલવા તૈયાર છે, પરંતુ કંપની પાસે યુવકના પરિવારજનો કે માતાનો મોબાઈલ નંબર કે સરનામું નથી. અમદાવાદ પાસપોર્ટ ઓફિસ આ મામલે કંઈ મદદ કરે તો યુવક માતાને મળી શકે. યુગાન્ડાના ડેપ્યુટી કોન્સ્યુલેટ જનરલે આ મદદ માગતાં અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસે તપાસ કરાવી યુવકની બહેનનો સંપર્ક સાધી હકીકત જણાવી હતી. બાદમાં યુવકનાં માતા ઇંદુબહેન દિનેશભાઈ પરમારને તાત્કાલિક અમદાવાદ પાસપોર્ટ ઓફિસ બોલાવી પુત્રની સ્થિતિ અંગે જાણ કરી હતી.
જોકે, પાસપોર્ટ ન હોવાનું ઇંદુબહેને કહેતાં ૨૬મી માર્ચે રજા હોવા છતાં રિજિયોનલ પાસપોર્ટ અધિકારી ઝેડ. એ. ખાને અન્ય કર્મચારીઓ સાથે કામ કરી તેમને એક વર્ષની મુદતનો પાસપોર્ટ કાઢી આપી તેમને યુગાન્ડા જવા મદદ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter