બુદ્ધિસાગર મહારાજે સદી પૂર્વે આગાહી કરી હતીઃ પાણી કરિયાણાની દુકાને વેચાશે!

નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઉલ્લેખ મહુડીના આ મહારાજ સાહેબનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો

Wednesday 21st August 2019 07:25 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૩મા સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રજોગ સંબોધનમાં પાણીનું મહત્ત્વ સમજાવતા જૈન મુનિ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ઉત્તર ગુજરાતમાં એક તીર્થક્ષેત્ર છે મહુડી. જૈન સમુદાયના લોકો ત્યાં આવે છે. અંદાજે એકસો વર્ષ પહેલાં ત્યાં એક જૈન મુનિ થઈ ગયા જેમણે કહ્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે... તમે કલ્પના કરી શકો છો કે સો વર્ષ પહેલાં એક મુનિ બુદ્ધિસાગરજી મહારાજ લખીને ગયા છે કે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે... આજે આપણે પાણી કરિયાણાની દુકાનમાંથી ખરીદીએ છીએ. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ?’
આ શબ્દો નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ૧૫મી ઓગસ્ટે પોતાના વક્તવ્યમાં કહ્યા હતા. તેમણે દેશમાં પ્રવર્તમાન પાણીની સમસ્યા સંદર્ભે બુદ્ધિસાગરજી મહારાજનો ઉલ્લેખ કર્યો હતો. આ બુદ્ધિસાગરજી મહારાજ જૈન મુનિ હતા અને પટેલ પરિવારમાંથી આવતા હતા.
જૈનશાસ્ત્રના અભ્યાસુ અને જાણીતા લેખક કુમારપાળ દેસાઈ કહે છે કે ‘આ જૈન મુનિએ સાબરમતી નદી વિશે ઘણા કાવ્યો લખ્યાં છે. નરેન્દ્રભાઈએ તેમની પ્રતિમા રિવરફ્રન્ટ પર મૂકવી જોઈએ.’ તેઓ કહે છે કે આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ મૂળે વીજાપુરના કણબી પટેલ હતા. તેમનું નામ બેચરદાસ હતું. જૈન સાધુ બન્યા પછી અને તેમનું નામ બુદ્ધિસાગર થયું.

બેચરદાસમાંથી બન્યા બુદ્ધિસાગર

તેઓ કઈ રીતે બેચરદાસ પટેલમાંથી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ બન્યા એ વિશે જણાવતા કુમારપાળભાઇ એક પ્રસંગ ટાંકે છેઃ વીજાપુરમાં તેઓ એક વખત ભેંસ લઈને નીકળ્યા હતા, ત્યારે ભેંસ દોડતી - દોડતી બે સાધુઓ પર હુમલો કરવા જઈ રહી હતી. બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજનું શરીર ત્યારે પહેલવાન જેવું હતું. તેમણે જોરથી ભેંસના બે શિંગડાં પકડી રાખ્યાં અને ભેંસને અટકાવી દીધી હતી. આ સમયે પેલા સાધુએ કહ્યું કે તારી પાસે બળ છે, પરંતુ આ બળ પૂરતું નથી, આંતરબળ એ મોટી વાત છે. બેચરદાસને એમ કે સાધુ શાબાશી આપશે, પરંતુ આશ્ચર્ય થયું કે સાધુએ આમ કેમ કહ્યું! પછી તેઓ સાધુ પાસે ગયા અને આંતરબળ શું છે એ પુછ્યું.’
કુમારપાળ દેસાઈ કહે છે, ‘આંતરબળ વિશે સમજ્યા પછી તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ અને સાધુ બન્યા હતા. આમ તેઓ બેચરદાસ પટેલમાંથી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ બન્યા.’ ભેંસવાળી ઘટનામાં જે બે જૈન મુનિ હતા તેમાંના જ એક રવિસાગરજી મહારાજ પાસેથી તેમણે દીક્ષા લીધી. તે સમયે બેચરદાસની ઉંમર માત્ર ૨૫ વર્ષ હતી. આ પછી તેમણે સાધુજીવનનાં ૨૫ વર્ષ વિતાવ્યા હતા અને ૧૯૨૫માં તેમનો દેહોત્સર્ગ થયો હતો.

૧૩૦ ગ્રંથો, સાબરમતી પર કાવ્યો લખ્યા

સાબરમતી નદી અને બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજના સાહિત્ય વિશે કુમારપાળભાઈ કહે છે કે તેઓ ઉત્તર ગુજરાતના વિવિધ ગામડાંમાં ફર્યા હતા. તેમણે ૨૦૦૦થી વધારે કાવ્યો લખ્યાં છે જેમાં સાબરમતી વિશે સૌથી વધુ કાવ્યો હતાં. તેમણે ગુજરાતી, હિન્દી, સંસ્કૃતમાં ૧૩૦ જેટલા ગ્રંથ લખ્યા છે. નોંધનીય તો એ છે કે તેઓ માત્ર છ ચોપડી ભણ્યા હતા. તેઓ અમદાવાદ નજીક પેથાપુર, મહુડી વગેરે સ્થળે સાબરમતી કાંઠે વિહાર કરતા હતા અને એ દરમિયાન કાવ્યો લખ્યાં હતાં. સાબરમતી વિશે બુદ્ધિસાગરજી મહારાજથી વધુ કોઈએ કાવ્યો લખ્યાં નથી. ખરેખર તો તેમની એક મૂર્તિ નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર મૂકવી જોઈએ.

પાણી કરિયાણાંની દુકાને વેચાશે

બુદ્ધિસાગર મહારાજે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં વીજાપુર પાસે મહુડીમાં ઘંટાકર્ણ તીર્થની સ્થાપના કરી હતી. કુમારપાળ દેસાઇ કહે છે કે ‘તેમણે ભવિષ્યવાણી કરી હતી (જે મહુડીમાં તીર્થમાં છે પણ ખરી) કે એક સમય એવો આવશે કે માણસ એક ખંડમાંથી બીજા ખંડમાં વાતો કરશે. આ ભવિષ્યવાણી લખી ત્યારે કોઈને ખબર નહોતી કે એવી સ્થિતિ આવશે કે માણસ આ રીતે વાત કરી શકશે. તેમણે કહ્યું હતું કે વિજ્ઞાનને કારણે આખા જગતમાં પરિવર્તન આવશે.’
આ ઉલ્લેખ બુદ્ધિસાગર મહારાજે ક્યારે કર્યો હતો એ વિશે કુમારપાળ દેસાઈએ એક વેબપોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોઈ ચોક્કસ ગ્રંથનું તો હાલમાં હું નામ આપી શકું એમ નથી, પરંતુ તેમણે એવું જરૂર કહ્યું હોઈ શકે કે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે. એક વખત વરસાદ નહોતો પડતો ત્યારે તેમણે ઝટ વરસાદ વરસાવો એવું કાવ્ય પણ પ્રાર્થનારૂપે લખ્યું હતું.

મહાન યોગી અને અવધૂત પુરુષ

સમાજના દિગ્ગજોએ પણ બુદ્ધિસાગર મહારાજ પ્રત્યે એક યા બીજા સમયે આદર પ્રગટ કર્યો હતો. કુમારપાળ દેસાઈ કહે છે, ‘વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બુદ્ધિસાગરજી મહારાજ વિશે કહ્યું હતું કે જો તેમના જેવા વધુ કેટલાંક સાધુ હોત તો આ દેશનો ઉદ્ધાર થઈ જાત.’ કવિ ન્હાનાલાલે કહ્યું હતુંઃ આ કોઈ મહાન યોગી અને અવધૂત પુરુષ છે. ભાષાવિદ્ તેમજ સંશોધક - સંપાદક કેશવલાલ હર્ષદરાય ધ્રુવે બુદ્ધિસાગરજી મહારાજને અંજલિ આપતું પુસ્તક પણ લખ્યું છે.
બુદ્ધિસાગરજી મહારાજ વીજાપુરમાં જન્મ્યા હતા અને તેમને દેહોત્સર્ગ પણ વીજાપુરમાં થયો હતો. તેમની સમાધિ પણ વીજાપુરમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter