ગાંધીનગરઃ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ઉપર ૨૦૧૭ના અંત સુધીમાં અથવા તો ૨૦૧૮ની શરૂઆતમાં કામ શરૂ થશે અને પાંચ વર્ષના ગાળામાં પૂર્ણ થશે. રેલવે બોર્ડના ચેરમેન એ. કે. મિત્તલે આ અંગે માહિતી આપતાં ૧૫મી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર ઉપર સમયસર કામ પૂરું કરવાને પ્રાથમિકતા અપાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પ્રોજેક્ટ્સ પૈકીના આ મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને ભારત માટે પણ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે જોવાય છે. મિત્તલે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી કુલ રૂ. ૯૮૦૦૦ કરોડના પ્રોજેક્ટ ખર્ચ પૈકી ૮૧ ટકા ફંડ આપશે. આ ફંડ સોફ્ટ લોન તરીકે મળશે. જેને ૫૦ વર્ષમાં ચૂકવવાની બાંયધરી રહેશે. ૦.૧ ટકા વ્યાજદર સાથે ૧૫ વર્ષમાં સ્વૈચ્છિક ગાળો પણ રહેશે.
• નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ જાહેરઃ ગુજરાતમાં કુટિર અને ગ્રામોદ્યોગનાં વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોત્સાહન આપવા આ ક્ષેત્રમાં કામ કરતાં લોકોનાં સામાજિક આર્થિક ઉત્થાન ઉપર ભાર મૂકીને પૂરક રોજગારી તકો ઊભી કરીને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના માર્ગદર્શનમાં નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિની રાજ્યના કુટિર ઉદ્યોગ સૌરભભાઈ પટેલે ૧૫મી ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી. આ નીતિ અંતર્ગત CEPT, NIET, NID જેવી સંસ્થાઓ સાથે જોડાણથી ઉદ્યોગ ક્ષેત્રે કામગીરી કરનારા નિષ્ણાત ડિઝાઇનર્સની સેવાઓનો લાભ લઈને કારીગરો માટે ડિઝાઇન વર્કશોપનું આયોજન પણ કરાશે.
• રાજ્યના ૧૭૮ ખેલાડીઓનું સન્માન થયુંઃ રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા રાજ્યના ૧૭૮ ખેલાડીઓને રમત ગમત રાજ્ય પ્રધાન નાનુભાઈ વાનાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ રમતો માટે સરદાર પટેલ, એકલવ્ય તથા જયદીપસિંહજી સિનિયર જુનિયર અને સાહસ, શોર્ય, સેવા તેમજ જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય દાખવનાર વ્યક્તિઓને નામદાર રાજ્યપાલનો સુવર્ણચંદ્રક અને એક વ્યક્તિને ગુણવત્તા પ્રમાણપત્ર પેટે એવોર્ડથી ૧૫મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા હતા.
• બાળક દત્તક માટે ફરજિયાત ઓનલાઈન નોંધણીઃ હવેથી જે દંપતીઓ ભારતમાં બાળક દત્તક લેવા ઇચ્છે તેમણે ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત બાળકને દત્તક લેવાની પ્રક્રિયા પણ ફરજિયાત ઓનલાઇન કરવી જ પડશે. આ માટે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ વીમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની વેબસાઇટ www.cara.nic.in પર કોઈ પણ સમાજની વ્યક્તિ અરજી કરી શકશે. બાળક દત્તક લેવા માટે અગાઉ લાંબું લચક પેપર વર્ક કરવું પડતું હતું. જેથી દંપતીને દત્તક બાળક મેળવવા લાંબો સમય સુધી રાહ જોવી પડતી નથી. હવે ઓનલાઇન અરજી કરીને વધુમાં વધુ ત્રણ મહિનામાં બાળક દત્તક લઈ શકાશે. ઓનલાઇન અરજીમાં દંપતીએ સામાન્ય વિગતો આપ્યાં બાદ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે.
• IIT-Gના પ્રોફેસરની મહત્ત્વની ભૂમિકાઃ બ્રહ્માંડમાં રહેલા ગ્રેવિટેશનલ વેવ્સને એટલે કે ગુરુત્વાકર્ષીય તરંગો શોધવામાં લિગોના (લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઓબ્સર્વવેટરી) વૈજ્ઞાનિકો સફળ થયા છે. આ સંશોધનની આ કામગીરીમાં આઇઆઇટી ગાંધીનગરના અધ્યાપક આનંદ સેનગુપ્તાની આગેવાની હેઠળ આઇઆઇટીની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પ્રો. આનંદ સેનગુપ્તા સહિત ભારતની ૯ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટમાંથી ૩૫ વૈજ્ઞાનિકો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા.
• મહાત્મા મંદિરના સંચાલન માટે સમિતિ રચનાઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર તેમજ સ્વર્ણિમ પાર્કના પ્રોજેક્ટના સંચાલન માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ એક ચોક્કસ કમિટિની રચના કરવામાં આવશે. તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા ૧૦મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. હાલમાં સ્વર્ણિમ પાર્ક તેમજ મહાત્મા મંદિરની જાળવણીનું કામ એક ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. મહાત્મા મંદિરના સંચાલનની જવાબદારી માટે પણ ચીફ સેક્રેટરી કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે અને એ પછી કમિટીને જવાબદારી સોંપી દેવાશે.

