બે એરપોર્ટ પરથી રૂ. ૧૮.૭૯ કરોડનું ૬૧.૨૨ કિલો સોનું પકડાયું

Wednesday 13th November 2019 05:18 EST
 

અમદાવાદઃ કસ્ટમ્સ વિભાગે, અમદાવાદ અને સુરતના વિમાનીમથકેથી ૨૦૧૯-૨૦ના વર્ષ દરમિયાન ૭૪ કેસમાં રૂ. ૧૮.૭૯ કરોડનું ૬૧.૨૨ કિલોગ્રામ દાણચોરીનું સોનું પકડી પાડયું છે. કસ્ટમ્સ વિભાગના પ્રિન્સિપલ કમિશનર કુમાર સંતોષે તાજેતરમાં જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પરથી ૬૦ કેસમાં રૂ. ૧૬.૬૪ કરોડનું ૫૪.૭૨ કિલો સોનું પકડાયું છે. સુરત એરપોર્ટ પરથી ૧૪ કેસમાં રૂ. ૨.૧૫ કરોડનું ૬.૫૦ કિલો સોનું જપ્ત કરાયું છે. ૨૦૧૮-૧૯માં ૧૧૩ કેસમાં રૂ. ૨૩.૭૪ કરોડનું ૮૧.૪૧ કિલો સોનું પકડાયું હતું. ત્રણ મહિલા સહિત અમદાવાદ એરપોર્ટ પરથી ૨૫ અને સુરત એરપોર્ટ પરથી ૧ની ધરપકડ થઈ છે.

કેન્દ્ર સરકારે સોના પરની ડયૂટીમાં વધારો કર્યા પછી સોનાની દાણચોરીના કેસોમાં વધારો થયો છે. સોના પર ૩૮.૫ ટકા ડયુટી વસૂલાય છે. સોનાની દાણચોરી અટકાવવા એરપોર્ટ પર બે ડોર ફ્રેમ ડીટેક્ટર લગાવાયા છે, અધિકારીઓની સંખ્યા વધારાઈ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સોનાની દાણચોરીના કિસ્સાઓમાં અમદાવાદ ચોથા ક્રમે આવ્યું છે. વધેલા સોનાના ભાવ તેમજ ટેક્સમાં થયેલા વધારાના કારણે સોનાની દેશમાં અને દેશ બહાર કિંમતમાં મોટો તફાવત આવે છે. આ તફાવતના કારણે સોનાની દાણચોરીના કિસ્સામાં વધારો થયો છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ દાણચોરી માટે સોફ્ટ ટાર્ગેટ માનીને કેરિયરોને હવાઇ મુસાફરી દ્વારા દાણચોરી કરાવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter