અમદાવાદઃ માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કોઇ વ્યક્તિ રહેવાનું ઠીક, પરંતુ ત્યાં જતાં પણ દસ વખત વિચાર કરશે. ત્યારે અમદાવાદ ખાતે ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)માં કામ કરતી બે ગુજરાતી મહિલા વૈજ્ઞાનિકો ૩૬મા એક્સ્પેડિશનના ભાગરૂપે એન્ટાર્કટિકા જઇ પહોંચી છે. વિવિધ જાતની કઠીન શારીરિક ટ્રાયલમાંથી પસાર થઇને તેમણે આ મુકામ હાંસલ કર્યો છે.
એન્ટાર્કટિકામાં હાડ થીજવી દેતી ઠંડી વચ્ચે બન્નેએ ત્યાંના ભારતી અને મૈત્રી સ્ટેશન પર ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) મારફતે અભ્યાસ કરીને કેટલાક ડેટા એકત્ર કર્યા છે. તેમજ ભારતી અને મૈત્રી સ્ટેશન વચ્ચે ૩,૦૦૦ કિલોમીટર અંતર્ગત બરફની ઘનતા, વેગ, સહિતની પ્રવૃત્તિઓને પણ પોતાના પ્રયોગોમાં સામેલ કરી છે.
ભારત સરકાર દ્વારા દર વર્ષે એન્ટાર્કટિકામાં સાયન્સ એક્સ્પેડિશનનું આયોજન કરાય છે. જેમાં ‘ઇસરો’ દર વર્ષે પોતાના વૈજ્ઞાનિકોની ટીમ મોકલીને ત્યાં વિવિધ સંશોધનો કાર્યો હાથ ધરાય છે. આ વર્ષે ૩૬મા વૈજ્ઞાનિક અભિયાનમાં સ્પેસ એપ્લિરેશન સેન્ટર (SAC)એ પોતાની ટીમ મોકલી હતી. જેમાં અમદાવાદ ખાતે ‘ઇસરો’માં ફરજ બજાવતી બે મહિલા વૈજ્ઞાનિક કિરલ ઘોડાદરા અને પૂર્વી જોશીનો સમાવેશ
થયો છે.
ઉત્તરાખંડના ઓલીમાં ફિઝિકલ ટ્રેનિંગ મેળવ્યા બાદ બન્ને ડિસેમ્બર માસમાં એન્ટાર્કટિકા જવા રવાના થયા હતા. આ વર્ષે તેઓએ ત્રણ મુખ્ય પ્રાથમિક તબક્કાઓ પર સંશોધન કર્યાં છે. જેમાં ડિફ્રન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ (DGP) સિસ્ટમ મારફતે એન્ટાર્કટિકાના ભારતી અને મૈત્રી સ્ટેશનો પર બરફની ઘનતા માપવાના પ્રયોગ કર્યા હતા. આ ઉપરાંત ત્યાં GPRનો ઉપયોગ કરીને હિમપાતની ઊંડાઇ માપવાનો તેમજ અન્ય પ્રયોગો હાથ ધર્યા હતાં.
યુવા વૈજ્ઞાનિક કિરલ ઘોડાદરા કહે છે કે એન્ટાર્કટિકા એક્સ્પેડિશનમાં ભાગ લઇ હું જે લાગણી અનુભવી રહી છું તેને શબ્દોમાં બયાન નહીં કરી શકું. ત્યાં માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં રહીને અમે વિવિધ એક્સ્પેરિમેન્ટસ કર્યા છે.
એ દરમિયાન અસંખ્ય પડકારોનો સામનો કરવો પડયો હતો. જેમાં સૌથી પહેલાં તો આટલા ઠંડા પ્રદેશમાં અને વિપરિત આબોહવા વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું હતું. ત્યાં પહોંચવા માટે સૌથી લાંબી સમુદ્રી સફર ખેડવી અમારા માટે સૌથી પડકારજનક હતી. પરંતુ મન હોય તો માળવે જવાય.
પૂર્વી જોષી કહે છે કે હું બહુ લકી છું કે એન્ટાર્કટિકાના એક્સ્પેડિશનમાં ભાગ લેવાનો મને મોકો મળ્યો. પૃથ્વી પરનો આ નૈસર્ગિક નજારો જોવાનો અને ત્યાં પ્રયોગો કરવાની અમને તક મળી. હું અહીંના દરેક એલિમેન્ટ ઉપર રિસર્ચ કરવા માગું છું જેથી હું સ્ટુડન્ટસ માટે પ્રેરણા સ્વરૂપ બની શકું. તેમજ ભવિષ્યમાં મોકો મળે તો તેઓ પણ અહીં આવીને પોતાના દેશ માટે યોગદાન આપવાની ભાવના કેળવે. એમાં પણ છોકરીઓએ તો કોઇ પણ અડચણ કે મુશ્કેલીઓને તાબે થયા વગર અચૂક આગળ વધવું જોઇએ.
બે ગુજરાતી મહિલા વૈજ્ઞાનિકોની સિદ્ધિ અંગે ‘સેક’ના ડિરેક્ટર તપન મિશ્રાએ કહ્યું હતું કે આ આપણા માટે ગૌરવની વાત છે કે દુનિયાના સૌથી ઠંડા પ્રદેશમાં બે ગુજરાતી મહિલા વૈજ્ઞાનિકોની વિવિધ પ્રયોગો માટે પસંદગી કરાઇ હતી. ૩૬મા એક્સ્પેડિશનમાં તેમણે સફળતાપૂર્વક ભાગ લઇ ત્યાં ઉમદા કામગીરી ભજવી છે. તેમની આ કામગીરી માટે સમગ્ર ગુજરાતને ગૌરવ છે.


