બે પોલીસકર્મીના પ્રેમપ્રકરણનો લોહિયાળ અંત

Wednesday 17th July 2019 07:10 EDT
 
 

રાજકોટઃ યુનિવર્સિટી ઝોન પોલીસમથકમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઈ ખુશ્બુ રાજેશભાઈ કાનાબાર (ઉ. વ. ૨૮) અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા (ઉ. વ. ૩૦) બંનેની ગોળી મારીને હત્યા કરાયેલો મૃતદેહ મહિલા એએસઆઈના ક્વાર્ટરમાંથી મળી આવ્યો હતો.
આ કેસની તપાસમાં જાણ થઈ હતી કે પરણિત રવિરાજ અને ખુશ્બુ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જોકે ક્યા કારણોસર તેમણે અંતિમ પગલું ભર્યું તેની તપાસ ચાલે છે. મહિલા એએસઆઈની સર્વિસ રિવોલ્વરમાંથી જ બંનેને ગોળી વાગેલી હોવાનું ખૂલ્યું હતું. આ કેસમાં ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં ખુશ્બુની હત્યા થઈ હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો છે.
જામજોધપુરની ખુશ્બુ ત્રણ વર્ષ પહેલાં એએસઆઈ તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થઈ હતી. તેનું પોસ્ટિંગ રાજકોટમાં થયું હતું. તે યુનિવર્સિટી પોલીસમથકમાં મુંજકા બીટના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતી હતી. સહકર્મી રવિરાજસિંહ ડી સ્ટાફમાં ફરજ બજાવતા હતા. બંને વચ્ચે છેલ્લા દોઢેક વર્ષથી નજીક આવી ગયા હતા.
ખુશ્બુ કાલાવાડ રોડ પર કોસ્મો ચોકડી પાસે પંડિત દિનદયાલનગર ગુહાબોર્ડ ક્વાર્ટર ઈ/ ૪૦૨ (ચોથા માળે ફ્લેટ)માં એકલી રહેતી હતી. રવિરાજની ત્યાં આવનજાવન રહેતી હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં મૃતક મહિલા એએસઆઇએ અગાઉ ગર્ભપાત પણ કરાવ્યો હોવાનું ખૂલ્યું હતું.
જોકે છેલ્લા તારણ પ્રમાણે બનાવ સ્થળેથી એએસઆઈ વિવેક કુછડિયાની રિવોલ્વર કબજે કરવામાં આવી હતી. વિવેક કુછડિયાની ઘટનાસ્થળે સર્વિસ રિવોલ્વર કેવી રીતે આવી કે તે કેવી રીતે રિવોલ્વર ભૂલી ગયા તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત વિવેકને સસ્પેન્ડ કરવા સહિતના મામલે તજવીજ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter