અમદાવાદઃ સરદારનગર રેલવે ફાટક પાસેથી એક વર્ષ પહેલાં મળી આવેલા બે અનાથ સગાભાઈઓને ફ્રાન્સના દંપતીએ દત્તક લીધાં છે. આ બાળકો માટે ફ્રેન્ચ દંપતી દાળ, ભાત, શાક, ખીચડી બનાવતું શખ્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ કે સિંઘ તથા તેમનાં પત્નીના હસ્તે હિન્દુ કાયદેસર વિધિથી બાળકોને દત્તક આપવાનો કાર્યક્રમ ૨૭મી માર્ચે સવારે પાલડી શિશુગૃહમાં યોજાયો હતો.
ઉત્તર ફ્રાન્સના પોન્ટ દે લાર્ક શહેરના ચાઇલ્ડ ઓફિસર મેરીલિન પ્લાટીન અને પ્રોજેક્ટ મેનેજર જેરેમી પ્લાટીને ૨૭મી માર્ચે સવારે પાલડી શિશુ ગૃહમાં રહેતા ૬ વર્ષના વિનાયક અને ૫ વર્ષના વિજ્ઞેશને દત્તક લીધા હતા.
મેરીલિનના પિતા વર્લ્ડ ટૂર કરી ચૂક્યા છે. તેથી તેમણે પોતાની પુત્રી મેરીલિનને કહ્યું હતું કે, બાળક દત્તક લે તો ભારતમાંથી જ લે જે, કેમ કે ત્યાંની સંસ્કૃતિ ખૂબ સારી છે.
સગા ભાઈ છુટા ન પડ્યા
૩૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ એક મહિલાને બંને બાળકો સરદારનગરના રેલવે ફાટક પાસેથી મળ્યાં હતાં. તેમનાં માતા-પિતા ગુજરી ગયા બાદ તેઓ નિરાધાર થઈ ગયાં હતાં. શિશુગૃહના સુપરિટેન્ડેન્ટ રિતેશ દવેએ આ અંગે એવું જણાવ્યું હતું કે, બંને સગા ભાઈ હોવાથી અમે એવા જ દંપતીને બાળકો દત્તક આપવા માગતા હતા કે જે બંને ભાઈઓને દત્તક લઈ લે. આથી સગા ભાઈઓ સાથે રહી શકે.
બાળકો ફ્રેન્ચ બોલે છે
દત્તક લેનારાં માતા-પિતા બાળકો માટે દાળ, ભાત, શાક અને ખીચડી જેવી ગુજરાતી વાનગી બનાવતાં શીખ્યાં છે જ્યારે બાળકો તેમના ભાવિ પાલક માતા-પિતા સાથે વાત કરવા ફ્રેન્ચ શીખ્યાં છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ફ્રેન્ચ દંપતી અને આ બાળકો રોજ વીડિયો કોલિંગથી વાત કરતાં હતાં. દત્તક લેનારાં માતા-પિતા બાળકોનાં નામ નથી બદલવા માગતા એવું પણ તેઓએ જણાવ્યું હતું.


