સુરતઃ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગાયસાવર ગામે રહેતાં 65 વર્ષીય મગનીબેન ગામીતનું ઘર અનોખું છે, કારણ કે તેમનું રસોડું ગુજરાતમાં છે અને બાકીનો ભાગ મહારાષ્ટ્રના ખોખરવાડા ગામની હદમાં આવે છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ બે રાજ્યની હદમાં વહેંચાયેલા આ ઘરમાં રહે છે. મગનીબેન ગુજરાતમાં રસોઈ બનાવે છે અને પછી મહારાષ્ટ્રની બાજુએ બેસીને જમે છે. વર્ષો સુધી તેમણે વીજળી, પાણી અને રસ્તાની સુવિધા માટે સરકારી તંત્ર સાથે સંઘર્ષ કર્યો. જોકે હવે તેમની મહેનત રંગ લાવી છે. થોડા દિવસો પહેલા જ તેમના ઘરને વીજળી મળતી થઇ છે.
બે રાજ્યો વચ્ચે વહેંચાયેલા મગનીબેન કહે છે કે વર્ષોથી સરકારી લાભો ગુજરાતમાંથી મેળવું છું, અને વેરો પણ ગુજરાતમાં ભરું છું તથા મતદાન પણ ગુજરાતમાં કરું છું. ભલે મારું ઘર બે રાજ્ય સાથે જોડાયેલું હોય, પણ મને કદી એવું લાગ્યું નથી કે અમારા ભાગલા પડી ગયા છે. મારા માટે તો બન્ને રાજ્યના લોકો મારો જ પરિવાર છે.
મગનીબેનનું ઘર બે રાજ્યની વચ્ચે વહેચાયેલું હોય, ગ્રામ પંચાયતને પણ તેમને સરકારી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા અનેક પ્રયત્નો કરવા પડ્યા છે. તેમના ઘરે જવાનો રસ્તો મહારાષ્ટ્રના ખોખરવાડા ગામની હદમાં છે, પણ ગ્રામ પંચાયતે ઉચ્ચ સત્તાધિશો સાથે સંકલન કરીને તેમને રસ્તાની સુવિધા પૂરી પાડી છે. ગામના સરપંચ અશોકભાઈ ગામિતને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે આવાસ માટે ઉપયોગમાં લેવાયેલી જમીન ગૌચરની છે, જેના કારણ કેટલીક કામગીરી કાયદાના ચક્કરમાં અટવાઇ છે, પરંતુ તેનો રસ્તો પણ કાઢવામાં માટે પ્રયાસ ચાલુ છે.


