અમદાવાદઃ હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાની લશ્કરના હાથે ઠાર મરાતાં કાશ્મીરની સ્થિતિ તણાવપૂર્ણ બની હતી, પરિણામે અમરનાથ યાત્રાએ ગયેલાં ગુજરાતી યાત્રાળુઓ બાલતાલ, શ્રીનગર, પહેલગામમાં અટવાયા હતા. આખરે લશ્કરના પ્રોટેક્શન હેઠળ ગુજરાતી યાત્રાળુઓને જમ્મુ સુધી સલામત રીતે પહોંચાડવામાં આવ્યાં છે જેથી હવે ગુજરાતી યાત્રાળુઓ હવે ગુજરાત પરત ફરી રહ્યાં છે. જોકે, કાશ્મીરની પરિસ્થિતી બેકાબૂ બનતા અંદાજે બે હજાર ગુજરાતી યાત્રાળુઓ બાબા અમરનાથના દર્શન કર્યા વિના પરત ફર્યાં છે.
ખુલ્લેઆમ લૂંટ
કાશ્મીરઘાટીમાં ફાટી નીકળેલી હિંસાને પગલે પહેલગામ અને બાલતાલમાં દસમી જુલાઈએ ગુજરાતના ૪૫૦૦થી વધુ યાત્રીઓ ફસાયેલા રહ્યાં હતાં. આ યાત્રીઓ પાસેથી સ્થાનિક વેપારીઓએ ઉઘાડી લૂંટ ચલાવવાનો મોકો છોડ્યો નહોતો. જાણીને આશ્ચર્ય થશે કે ટેન્ટમાં રહેવાના રૂ. ૧૦૦૦, પાણીના એક બોટલના રૂ. ૧૦૦ અને દૂધની એક થેલીના ૧૫૦ અને શાકભાજીના ૧૦ ગણા ભાવ પડાવ્યા હતા.
પહેલગાંવમાં ફસાયેલા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદના યાત્રીઓ અમરનાથના દર્શન કરીને પંચતરણીથી નીચે ઉતર્યા હતા. પહેલગાંવ અને બાલતાલમાં સૌથી વધુ ગુજરાતીઓ ફસાયેલા હતા. આર્મીના જવાનોના લીધે ગુજરાતીઓ સુરક્ષિત હોવાનું યાત્રાળુઓએ જણાવ્યું હતું. બાલતાલમાં ૫૦૦ જેટલી મહિલાઓે હતી. ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા રતનભાઈએ બાલતાલથી મોબાઈલ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતીઓની કુલ ૧૫ લકઝરી બસો ફસાયેલી હતી. ગાંધીનગરથી બે વાર ફોન આવ્યા હતા, પણ કોઈ મદદ મળી શકી નથી.
આર્મી દ્વારા સુરક્ષા
બાલતાલમાં છેલ્લા ૧૮ વર્ષથી ભંડારો કરતાં શ્યામ શર્માએ જણાવ્યું હતું કે, બાલતાલ અને પહેલગાંવમાં જ ૪૦ હજાર યાત્રીઓ ફસાયા હતા. આ તમામ અમરનાથ શિવલિંગના દર્શન કરીને આવ્યા હતા, પરંતુ આગળ રસ્તા બ્લોક હોવાથી જઈ શકતા નહોતા. જેના કારણે તમામ બેઝ કેમ્પ અને હોટેલ હાઉસફુલ થઈ ગયા હતા.
મુખ્ય પ્રધાનની હૈયાધારણા
આતંકવાદી ઘટનાને પગલે અમરનાથ યાત્રાના રૂટ ઉપર લગાવાયેલ કર્ફયુને કારણે યાત્રા સ્થગિત થવાથી ચિંતાનું મોજું પ્રસર્યું હતું ત્યારે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૧મીએ જાહેર કર્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રા માટે ગયેલા ગુજરાતના તમામ ૪,૫૪૮ યાત્રાળુઓ ક્ષેમકુશળ અને સલામત છે.


