અમદાવાદઃ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહેલી જૂને સાંજે ૭.૪૫ વાગ્યે એરપોર્ટ પરથી અમદાવાદ-બેંકોક ફ્લાઇટ ટેકઓફ કરવા માટે રન-વે પર ગઈ હતી. ફ્લાઈટમાં ૧૮૮ મુસાફરો સવાર હતા. ફ્લાઈટ મુખ્ય રન-વે પર ગોઠવાયા બાદ ટેકઓફ કરવા માટે સ્પીડ પકડી હતી, પરંતુ રન-વે પર થોડું આગળ ચાલ્યું હતું ત્યાં અચાનક જ વિમાનનું આગળનું ટાયર ધડાકા સાથે ફાટી ગયું હતું. ટાયર ફાટવાના કારણે વિમાનમાં સવાર મુસાફરોએ જોરદાર આંચકો અનુભવ્યો હતો. વિમાનની અંદર ભયના માર્યા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી.
જોકે ટાયર ફાટવા છતાં વિમાનને સુરક્ષિત રીતે બ્રેક કરવામાં પાઇલટને સફળતા મળી હતી. વિમાન થોભી ગયા બાદ પાઇલટે તુરંત જ એટીસીનો સંપર્ક કરતાં એરપોર્ટ ઓથોરિટીએ ફાયરબ્રિગેડની ટીમ અને સીઆઈએસએફની ટીમ રન વે પર મોકલી આપી હતી. જવાનોએ વિમાનમાંથી તમામ મુસાફરોને સલામત ઉતારી મુખ્ય ટર્મિનલમાં લઈ ગયા હતા.
ફ્લાઈટમાં સવાર ૧૮૮ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. એ પછી મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. ટાયર ફાટવાની ઘટનાના પગલે દસ જેટલી ફ્લાઈટના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા અને એરપોર્ટ ઓથોરિટીએ રન-વે બંધ કરી દીધો હતો.


