અમદાવાદઃ પાટીદાર આંદોલને વેગ પકડતાં રાજ્ય સરકારે જાહેર કરેલા બિનઅનામત વર્ગના નાગરિકો માટેની ૧૦ ટકા આર્થિક અનામતને હાઈ કોર્ટે ત્રીજી ઓગસ્ટે ગેરબંધારણીય જાહેર કરી સરકારનો વટહુકમ રદ કર્યો છે. ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી. એમ. પંચોલીની ખંડપીઠે નોંધ્યું હતું કે, રાજ્ય સરકારે અનામતની જોગવાઈનો ખૂબ ઉતાવળે અને કોઈ પણ જાતનો સરવે કર્યા વિના અમલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ઇન્દિરા સાહની કેસનાં તારણોને ધ્યાને લઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારની બિનઅનામત વર્ગના લોકો માટેની અનામતને ગેરકાયદે જાહેર કરી તેને રદ કરી છે. સાથે ઈબીસીને આધારે અપાયેલા એડ્મિશન પણ હાઈ કોર્ટે રદ કર્યા છે.
હાઈ કોર્ટે દર્શાવેલા મહત્ત્વના મુદ્દા
- આર્થિક આધારે ૧૦ ટકા અનામત જ કહેવાય. આ વટહુકમની પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે, શૈક્ષણિક અને નોકરીમાં ૧૦ ટકા જેટલી જગ્યા આ અનામત હેઠળ ભરવાની છે. આથી તે અનામત જ છે, વર્ગીકરણ નથી.
- આ અનામત સમાનતાના અધિકારનો ભંગ છે. બંધારણે આપેલા અધિકારને નિયંત્રિત કરતો કાયદો રાજ્ય બનાવી શકે નહિ. દેશના તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર છે.
- શું સરકારે કોઈ પણ સરવે કર્યો નથી? કોર્ટે નોંધ્યું કે, અનામત લાગુ કરતાં પહેલાં કોઈ સર્વે કર્યો નથી? કોઈ ટેકનિકલ એક્સપર્ટ દ્વારા યોગ્ય તપાસ કરાવાઈ નથી?
- અનામતનું ધોરણ ૫૦ ટકા કરતાં વધતું નથી. ઇન્દિરા સાહની વિ. ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના નવ જજની બંધારણી બેંચમાં આઠ જજે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, અનામત ૫૦ ટકા કરતાં વધવી જોઈએ. વધે તો તે ગેરબંધારણીય છે.


