બેલેટ યુનિટ પેપરમાં અત્યાર સુધી ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિહ્ન રાખવામાં આવતું હતું, પરંતુ ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારના નામ અને ચૂંટણી ચિહ્નની વચ્ચે ઉમેદવારનો ફોટો પણ મુકાશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું. બેલેટ યુનિટમાં ઉમેદવારનો ફોટો મૂકવાનો ગુજરાતમાં આ સૌપ્રથમવાર પ્રયોગ થશે.
ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ગુરુવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ખરેખર ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો બાકી રહેશે તે ખબર પડશે. અત્યારે તો ૨૭ ઉમેદવારો મેદાને જંગમાં છે. જો વધારે ઉમેદવારો રહેશે તો બે બેલેટ યુનિટ મુકવાની તંત્રને ફરજ પડશે. દક્ષિણ ભારતમાં પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણી સાથે સૌપ્રથમવાર પ્રયોગ કરવામાં આવશે.
ગત ૧લી મેથી અમલ શરૂ
બેલેટ પેપરમાં ઉમેદવારોના ફોટા મૂકવાના નિયમનો પહેલી મે, ૨૦૧૫ પછી સમગ્ર દેશમાં થનારી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે અમલી બનાવ્યો છે, જેમાં ૨ સેન્ટિમીટરની પહોળાઈ અને ૨.૫ સેન્ટિમીટરની ઊંચાઇ ધરાવતો ઉમેદવારનો ફોટો મૂકવાનો રહેશે.

