વોશિંગ્ટનઃ અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું છે. 40 વર્ષની વયે, સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ રોબિનહૂડના સહ-સ્થાપક ભટ્ટ યાદીમાં એકમાત્ર ભારતીય મૂળના વ્યક્તિ છે. આ યાદીમાં મેટાના પ્રમુખ માર્ક ઝકરબર્ગ અને વોલમાર્ટના વારસદાર લુકાસ વોલ્ટન જેવા યુવા બિલિયોનેરનો સમાવેશ થાય છે.
બૈજુની અંદાજિત નેટવર્થ લગભગ 67 બિલિયન ડોલર એટલે કે 5.90 લાખ કરોડ છે. બૈજુ ભટ્ટના માતા-પિતા ગુજરાતથી અમેરિકા સ્થાયી થયા હતા. ત્યાં વર્જિનિયામાં ઉછરેલા ભટ્ટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફિઝિક્સ અને મેથ્સનો અભ્યાસ કર્યો હતો.
‘ફોર્બ્સ’ના રિપોર્ટ અનુસાર, બૈજુ ભટ્ટની જંગી સંપત્તિનું કારણ તેમની રોબિનહૂડમાં 6 ટકા માલિકી છે. 2021માં કોરોના મહામારી દરમિયાન રિટેલ ટ્રેડિંગના ઉછાળા વચ્ચે જાહેર થયેલી આ કંપનીના શેરના ભાવમાં ગયા વર્ષે લગભગ 400 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ વૃદ્ધિ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં વધારો, આઈઆરએ અને ઉચ્ચ-વળતર આપતા બચત ખાતા જેવી નવી ઓફરિંગ્સ અને 2024માં રેકોર્ડ 3 બિલિયન ડોલરની આવકને કારણે થઈ છે.
ભટ્ટે 2015માં વ્લાદ ટેનવ સાથે મળીને રોબિનહૂડની સ્થાપના કરી હતી અને 2015માં કમિશન-ફ્રી ટ્રેડિંગ અને યુઝર-કેન્દ્રિત ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરતી મોબાઇલ એપ લોન્ચ કરી હતી. તેમણે 2020ના અંત સુધી કંપનીના સહ-સીઈઓ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ ચીફ ક્રિએટિવ ઓફિસર બન્યા, જે પદ પરથી તેમણે 2024માં રાજીનામું આપ્યું. જોકે, હજુ પણ તેઓ રોબિનહૂડના બોર્ડમાં સક્રિય છે.
ઓક્ટોબર 2024માં, ભટ્ટે સાન કાર્લોસમાં એથરફ્લક્સ નામની અવકાશ-આધારિત સૌર ઉર્જા કંપનીની સ્થાપનાની જાહેરાત કરી. આ સાહસનો ઉદ્દેશ અવકાશમાં સૌર ઉર્જા એકત્ર કરવા માટે સેટેલાઇટ નક્ષત્ર બનાવવાનો અને ઇન્ફ્રારેડ લેસર દ્વારા તેને પૃથ્વી પર પ્રસારિત કરવાનો છે, જેથી અંતરિયાળ અને પડકારજનક વિસ્તારોમાં ઊર્જા પહોંચાડી શકાય. તેઓ રિફ્લેક્ટ ઓર્બિટ અને એપેક્સ જેવી અન્ય અવકાશ-લક્ષી સાહસોમાં પણ રોકાણ ધરાવે છે.
માતા-પિતા ગુજરાતી
વર્જિનિયામાં ગુજરાતી પ્રવાસી માતા-પિતાના ઘરે જન્મેલા ભટ્ટે બાળપણમાં ભારે આર્થિક તંગીનો સામનો કર્યો હતો. બૈજુ ભટ્ટે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં પરિવારના સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેની વય 5 વર્ષની હતી ત્યારે જ પિતાને કિડનીની ગંભીર બીમારી થઈ હતી. પિતાની સારવારના કારણે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની હતી. એક તબક્કે તેમની પાસે ભારત પરત આવવા માટેના નાણા પણ નહોતા. જોકે હતાશ થયા વિના બૈજુએ પડકારોમાંથી પ્રેરણા મેળવીને પ્રગતિ કરી હતી.
ભટ્ટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં સ્નાતક અને 2008માં ગણિતમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને ત્યાં જ તેની મુલાકાત વ્લાદ ટેનવ સાથે થઈ, જેમની સાથે બાદમાં તેમણે રોબિનહૂડની સ્થાપના કરી હતી.