બ્રસેલ્સ: બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના એરપોર્ટ પર મંગળવારે સવારે બે વિનાશક વિસ્ફોટ થયા હતા. જેમાં ૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૨૭થી વધુ લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડાયા છે. બ્રસેલ્સના મીડિયા રિપોર્ટ અનુસાર એરપોર્ટ પર વિસ્ફોટ પહેલાં ગોળીબાર કરાયો હતો અને એરપોર્ટ પરથી ત્રણ આત્મઘાતી બેલ્ટ પણ મળી આવ્યા હતા.
વિસ્ફોટમાં ભારતની ખાનગી એરલાઇન જેટ એરવેઝના બે ક્રૂ મેમ્બર્સ નીધિ ચાપેકર અને અમિત મોટવાણીને ઇજા થયાના અહેવાલ છે. એરપોર્ટ પર હુમલાના સમયે મધ્ય ગુજરાતના ૩૫થી વધુ ગુજરાતીઓ તેમજ બોલિવૂડના કલાકારોના પરિવારજનો પણ હાજર હતા. જોકે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળે છે.
હુમલા પહેલા અરબીમાં સૂત્રોચ્ચાર઼
આતંકી હુમલા સમયે એક શખસે બ્લાસ્ટ કરતા પહેલા અરબીમાં નારા લગાવ્યા હતા. બાદમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે આ શખસ સુસાઈડ બોમ્બર હતો. બેલ્જિયમ સરકારે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. આ હુમલામાં બ્રસેલ્સમાંથી ધરપકડ કરાયેલા અબ્દે સલામના સાથીઓ સંડોવાયેલા હોવાનું મનાય છે. અબ્દે સલામ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો આતંકવાદી છે. તે પેરિસ હુમલાનો માસ્ટર માઈન્ડ ગણાય છે.
મધ્ય ગુજરાતના ૩૫થી વધુ પ્રવાસી હાજર હતા
એરર્પોટ પર એક પછી એક થયેલા બે સિરિયલ બ્લાસ્ટમાં અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતા. હુમલા વેળા એરપોર્ટ પર ફસાયેલા પાંચથી સાત હજાર પ્રવાસીઓમાં મોટી સંખ્યામાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ તરત સુરક્ષા દળની ટુકડીઓ ત્યાં દોડી ગઇ હતી અને સમગ્ર એરર્પોટને સીલ કરીને તમામને શેલ્ટર હોમમાં ખસેડ્યા હતા.
એરપોર્ટ પર હાજર ગુજરાતીઓમાં વડોદરા, આણંદ, તારાપુર સહિત મધ્ય ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે. સદનસીબે તમામનો બચાવ થયો હતો. બ્લાસ્ટને જોઇને મુસાફરો હેબતાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં વડોદરા સહિતના શહેરમાંથી ગયેલા મુસાફરોના પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા. મુસાફરોએ ફોન કરીને પોતાના ક્ષેમકુશળની જાણકારી વતનમાં આપી હતી.
વડોદરાના ચાર પ્રવાસીનો આબાદ બચાવ
બ્રસેલ્સના એરપોર્ટ પર થયેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટમાં ઘટનાસ્થળ પર હાજર વડોદરાના ચાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. શહેરના કારેલી બાગ વિસ્તારમાં રહેતા સંજય પટેલ અને ભાયલીના ભરતભાઇ પટેલ અને વિહાર પટેલ અમેરિકા જઇ રહ્યાં હતા. જેમની મુંબઇથી બ્રસેલ્સની કનેકટીંગ ફ્લાઇટ હતી. જોકે ફ્લાઇટમાં ઉતરતાંની સાથે બ્રસેલ્સ એરર્પોટ પર બોમ્બ ધડાકા થતાં ૧૧થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.
બોલીવૂડ કલાકારના પરિવારજનો બચ્યા
બ્રસેલ્સ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલા સમયે અનેક ભારતીયો ત્યાં હાજર હતા. જેમાં હિન્દી ફિલ્મોની અભિનેત્રી ગુલ પનાગના પતિ અને જાણીતા પાર્શ્વગાયક અભિજીત ભટ્ટાચાર્યના પરિવારજનોનો સમાવેશ થાય છે.
બે બોમ્બ વિસ્ફોટ થતાં જ અફડાતફડી મચી ગઇ
વિસ્ફોટ થતાં જ સમગ્ર એરર્પોટ પર ભારે અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. બીજી તરફ બ્લાસ્ટના કારણે કડાકાભેર એરર્પોટના કાચ તૂટવાના અવાજો સાંભળીને લોકો ધ્રૂજી ગયા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે એરર્પોટની બિલ્ડીંગમાં તિરાડો પડી ગઇ છે.
સમગ્ર બ્રસેલ્સ પોલીસ છાવણીમાં તબદીલ
વિસ્ફોટ થયાના ગણત્રીની મિનીટોમાં આખું એરર્પોટ પોલીસ અને મીલિટ્રી છાવણીમાં ફેરવાઇ ગયુ હતું. જેથી એક પછી એક તમામ મુસાફરોને સલામતી સાથે એરર્પોટની વચ્ચે લઇ જવાયા. અને આખા શહેરમાં રેડ એલર્ટ લાગુ કરી પોલીસ ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
બ્લાસ્ટના થયાના પાંચથી સાત મિનિટમાં જ આખું બ્રસેલ્સ એરપોર્ટ પોલીસ અને લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. સુરક્ષા દળના જવાનોએ તમામ મુસાફરોને સલામતી સાથે એરપોર્ટની વચ્ચોવચ લઇ જઇને શેલ્ટર હોમમાં મોકલવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
વિશ્વભરના નેતાઓએ હુમલો વખોડ્યો
બ્રસેલ્સમાં આતંકવાદી હુમલાની ઘટનાને અમેરિકા, રશિયા, ભારત, બ્રિટન સહિતના દેશના નેતાઓએ આકરા શબ્દોમાં વખોડી કાઢી છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમણે લખ્યું હતું કે ‘બ્રસેલ્સમાંથી આવેલા સમાચાર હચમચાવી દેનાર છે. આ હુમલાઓ વખોડવા પાત્ર છે. મૃતકોના પરિવારજનોને સાંત્વના. જેઓ ઘાયલ છે. તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી કામના.’
જ્યારે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને પણ હુમલાની ટીકા કરી છે અને બેલ્જિયમને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.


