અમદાવાદઃ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર રાજયોગિની બ્રહ્માકુમારી સરલાદીદીજીએ છઠ્ઠી જૂને બપોરે અમદાવાદમાં દેહત્યાગ કર્યો હતો.
કચ્છના જખાઉ ગામમાં ૮ માર્ચ, ૧૯૪૦માં જન્મેલા સરલાદીદી ૧૪ વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયાં હતાં. પ્રજાપિતા બ્રહ્માબાબા તથા માતેશ્વરી જગદમ્બા સરસ્વતીના સાંનિધ્યમાં તેઓ રહ્યાં હતાં. ૧૯૬૭માં બ્રહ્માકુમારીઝ સંસ્થાના આદિ સ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ દીદીને બ્રહ્માકુમારીઝ સંસ્થા, ગુજરાતની જવાબદારી આપી હતી. ગુજરાતમાં ૪૫૦થી વધારે સેવા કેન્દ્રો, ઉપસેવા કેન્દ્રો તેમજ ૪ હજારથી વધુ ગીતા પાઠશાળાઓની તેઓ દેખરેખ કરતાં રહ્યાં હતાં. દીદીજી ૧૯૯૮માં ઇન્ટરનેશનલ એસોસિએશન એજ્યુકેટર અને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયાં હતાં. તેમણે ભારત જ નહીં, પરંતુ યુરોપિયન દેશોમાં ભ્રમણ કરીને લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું બીજરોપણ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોકાંજલિ આપી હતી કે, બ્રહ્માકુમારી પરિવાર સાથે સંકળાયેલા રાજયોગિની સરલા દીદીજીના નિધનથી ઘણું દુઃખ થયું. હું હંમેશાં તેમની શુભકામનાઓ પ્રાપ્ત કરવા માટે નસીબદાર રહ્યો છું.


