બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા હૃદયમોહિનીજીનો દેહ પંચમહાભૂતમાં વિલીનઃ ૯૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Thursday 18th March 2021 03:15 EDT
 
 

અમીરગઢઃ પ્રજાપિતા ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસન કેન્દ્ર - આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીના મુખ્ય વહીવટદાર હદયમોહિનીજીનું ૧૧ માર્ચે ૯૩ વર્ષની વયે મુંબઈની સૈફી હોસ્પિટલ ખાતે નિધન થયું છે. વડા પ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા સ્પીકર તેમજ કેન્દ્રીય પ્રધાનો સહિત વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.
સ્વર્ગસ્થ હદયમોહિનીજીએ બ્રહ્માકુમારીમાં ૧૯૬૯થી ર૦૧૬ સુધી સંદેશવાહકની ભુમિકા નિભાવી હતી. છેલ્લે તેઓ બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા તરીકે ફરજ બજાવતા હતા. તેમના નશ્વરદેહને એર એબ્યુલન્સ દ્વારા શાંતિવન આબુરોડ ખાતેના મુખ્યાલય લાવીને અંતિમદર્શન માટે શાંતિવનમાં રખાયો હતો. જ્યાં ૧૩ માર્ચના રોજ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
સ્વર્ગસ્થ હૃદયમોહિનીજીનો જન્મ ૧૯ર૮માં કરાંચીમાં થયા હતો અને ૮ વર્ષની ઉંમરે તેઓ સંસ્થાના સાકાર સંસ્થાપક બ્રહ્મા દ્વારા શરૂ કરવામાં આવેલ નિવાસ બોર્ડીંગમાં પ્રવેશ મેળવ્યો હતો. તીવ્ર બુધ્ધિક્ષમતા અને દિવ્ય આત્માઓ સાથેના સાક્ષાત્કાર સાથે તેમનું જીવન સાદગી, સરળતા અને સૌમ્ય હતું. તેમણે ૧૮ જાન્યુઆરી ૧૯૬૯માં સંસ્થાના સાકાર સંસ્થાપક બ્રહ્માબાબાના નિધન પછી સંદેશવાહક બનીને દિવ્ય પ્રેરણા આપવા માટેની ભુમિકા નિભાવી હતી.
વડા પ્રધાનના શ્રદ્ધાસુમન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર રાજયોગિની હૃદય મોહિનીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રાજયોગિની હૃદયમોહિનીજી માનવીય દુઃખો દૂર કરવા અને સમાજને વધુ સશક્ત બનાવવાના સંખ્યાબંધ પ્રયાસો બદલ હંમેશા યાદ રહેશે. વિશ્વમાં બ્રહ્માકુમારીઝ કુટુંબના હકારાત્મક સંદેશ ફેલાવવામાં તેમણે મુખ્ય અને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના અવસાનથી હું વ્યથિત થયો છું. ઓમ શાંતિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter