બ્રિટન જતા ભારતીયોમાં ૧૬ ટકાનો વધારો, વિઝા પ્રોસેસીંગ માત્ર ૬.૫ દિવસમાં

Wednesday 06th January 2016 07:27 EST
 
 

અમદાવાદઃ અમદાવાદમાં ૨૨મી ડિસેમ્બરે ચેમ્બર્સ ઓફ કોમર્સમાં યોજાયેલી એનઆરજી મીટમાં ડેપ્યુટી હાઇકમિશનર જ્યોફ વેઇન સહિત મહાનુભવો હાજર રહ્યા હતા અને ગુજરાત અને બ્રિટન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વિશે ગહન ચર્ચા થઈ હતી. ૨૦૧૫ ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન અને જીસીસીઆઈના એનઆરજી સંગઠનના ઉપક્રમે મળેલી એનઆરજી મીટ અને ડાયાસ્પોરા ડેની ઉજવણીને મુખ્ય મહેમાનપદેથી સંબોધતાં અમદાવાદના બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વેઈને જણાવ્યું હતું કે, યુકેમાં ગુજરાતી મૂળના આશરે ૬ લાખથી વધુ લોકો વસે છે અને ગુજરાત અમારા માટે રાજકીય અને આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. યુકે ભારતનું સૌથી મોટું જી-૨૦ રોકાણકાર છે. આ મુદ્દે અમારી મહત્ત્વની અગ્રતાઓમાં ઉર્જા, શિક્ષણ, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ તથા કેમિકલ્સ ક્ષેત્રે દ્વિપક્ષી વ્યાપાર વધારવાનું છે.

બ્રિટનમાં થયેલા વિદેશી રોકાણમાં ભારતીય કંપનીઓ ત્રીજા નંબરનું સૌથી મોટું સ્થાન ધરાવે છે. ટીમ ઈન્ડિયા અને ટીમ યુકે એક વિનિંગ કોમ્બિનેશન તરીકે કામ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો આ એક અનબિટેબલ કોમ્બિનેશન છે. બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વેઇને વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂર્ણ થયેલા વર્ષમાં વિઝાની અરજી કરનારા ૯૦ ટકા ભારતીય ગ્રાહકોને સફળતા મળી હતી. ગયા વર્ષમાં યુકે વિઝા માટેનો સરેરાશ પ્રોસેસિંગ સમય ૬.૫ દિવસનો નોંધાયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીમાં લગભગ ૩.૬૦ લાખ જેટલા ભારતીયોને યુકેના વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા છે, જે આગલા વર્ષની સરખામણીએ ૧૬ ટકા વૃદ્ધિ દર્શાવે છે.

મીટના પ્રારંભે જીસીસીઆઈ એનઆરજી સેન્ટરના ચેરમેન કે. એચ. પટેલે જણાવ્યું હતું કે, આજે ૨.૫ કરોડ ભારતીયો વિશ્વના વિવિધ દેશોમાં પથરાયેલા છે, તેમાં ૬૦ લાખ જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ ગુજરાતીઓ જે કોઈ દેશમાં છે ત્યાં આર્થિક પ્રવૃત્તિ, શિક્ષણ અને સખાવત ક્ષેત્રે વર્ચસ્વ ધરાવે છે. કે એચ પટેલે વધુમાં જણાવ્યું કે વિદેશમાં વસતો ભારતીય સમુદાય દર વર્ષે ૭૦ અબજ ડોલર જેટલી રકમ ભારત મોકલે છે.

ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયાસ્પોરા સ્ટડીઝના ડિરેક્ટર ડો. બળવંત જાનીએ જણાવ્યું હતું કે, વિશ્વના વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓ પોતાની ભાષાનું ગૌરવ જાળવીને વિવિધ લેખન સ્વરૂપે સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે અને એ રીતે વિદેશમાં પણ ગુજરાતી ભાષાને જીવંત રાખી છે. અમે તેમની કૃતિઓને ગુજરાતની પ્રજા સમક્ષ મૂકીને તેમના સાહિત્યને પ્રસિદ્ધ કરીએ છીએ. ગુજરાત સ્ટેટ એનઆરજી ફાઉન્ડેશનના ડાયરેક્ટર પી.વી. અંતાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ફાઉન્ડેશન વિદેશમાં વસતી વ્યક્તિઓ અને સમાજ અંગેની વિગતો એકઠી કરી રહ્યું છે. હાલમાં ફાઉન્ડેશન પાસે ૫૫ જેટલા ગુજરાતી સમાજનો ડેટા એકઠો કર્યો છે. રાજ્યમાં સ્થાપેલા ૬ એનઆરજી સેન્ટર મારફતે બિનનિવાસી ગુજરાતીઓ સાથે સતત સંવાદ ચાલુ રાખ્યો છે. આ ઉપરાંત દરેક જીલ્લામાં કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળ બિનનિવાસી ગુજરાતીઓની સમસ્યાઓ હલ કરવા માટે સમિતિઓની રચના કરી છે. એનઆરજી ફાઉન્ડેશનના અધિક સચિવ એન. પી. લવિંગીયાએ જણાવ્યું હતું કે, ફાઉન્ડેશન ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક રાખવા પ્રયત્નશીલ છે અને ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતને એક રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બ્રિટને ૨૦૧૪માં ભારત સાથે કુલ ૧૯ અબજ પાઉન્ડનો ગુડ્ઝ અને સર્વિસીસ વ્યાપાર કર્યો હતો. છેલ્લાં ૧૫ વર્ષમાં ભારતમાં કુલ એફડીઆઈમાં યુકેનું રોકાણ ૯ ટકા રહ્યું છે, જેનું મૂલ્ય ૩૩ અબજ પાઉન્ડ થાય છે. યુકેના આ એફડીઆઇ રોકાણના પગલે ભારતમાં ૧.૩૮ લાખ સીધી નોકરીઓનું સર્જન થયું છે અને યુકેની કંપનીઓ કુલ ૭ લાખ ભારતીય કર્મચારીઓ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter